Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયટ્સે જમૈકા તાલાવાહને ચાર વિકેટથી હરાવ્યું

કેરેબિયન પ્રીમિયર લીગ ૨૦૧૯ માં ૧૦ સપ્ટેમ્બરના સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પૈટ્રિયટ્સ અને જમૈકા તાલાવાહની વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં સેન્ટ કીટ્સે પોતાની શાનદાર બેટિંગના આધારે આ મેચને ૪ વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં ટોસ જીતી સેન્ટ કીટ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના જવાબમાં જમૈકાના કેપ્ટન ક્રીસ ગેલ મેદાનમાં ઉતર્યા અને આક્રમક બેટિંગ કરવાની શરૂઆત કરી હતી. તેમને ૬૨ બોલમાં ૧૧૬ રનની શાનદાર ઇનિંગ રમી દીધી હતી. તેના સિવાય વોલ્ટને ૩૬ બોલમાં ૭૩ રન બનાવ્યા, જેના આધારે જમૈકાએ કીટ્સને ૨૪૨ રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો.

અ વિશાળ ટાર્ગેટનો પીછો કરવા જ્યારે કીટ્સની ટીમ ઉતરી તો ડેવન થોમસ અને એવિન લુઇસની વચ્ચે શાનદાર ભાગીદારી થઈ હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૮૫ રન જોડ્યા હતા. જ્યારે ખાસ વાત એ રહી કે, એવિન લુઇસ આક્રમક જોવા મળ્યા અને તેમને માત્ર ૧૭ બોલમાં જ અડધી સદી ફટકારી હતી. આ સીપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી છે. તેમ છતાં તે ૫૩ રન બનાવી આઉટ થઈ ગયા હતા. પરંતુ એલેન અને એવાન્સની શાનદાર ઇનિંગના આધારે કીટ્સે આ મોટા ટાર્ગેટને ૧૯ ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.

આ મેચમાં બંને ઇનિંગોને મળી કુલ ૩૭ સિક્સર ફટકારવામાં આવી હતી. આ ટી-૨૦ ક્રિકેટ કોઈ પણ એક મેચમાં લાગેલ સૌથી વધુ સિક્સરના રેકોર્ડની બરાબરી પર છે. ક્રીસ ગેલની વાત કરીએ તો તેમને તેમાં ૧૦ સિક્સર ફટકારી છે. જયારે, એવીન લુઇસે પોતાની ૫૩ રનની ઇનિંગમાં ૬ સિક્સર ફટકારી છે. આ જીત સાથે કીટ્સે પોતાની જીતથી ખાતું ખોલી લીધું છે. જ્યારે, જમૈકાને હજુ પણ જીતની શોધ છે.

(12:12 pm IST)