Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ભારતે ટ્રાઈ નેશન અન્ડર-૧૯ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું : ફાઈનલમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવ્યું

ભારતે ટ્રાઈ નેશન અન્ડર-૧૯ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું છે ફાઈનલ મેચમાં ભારતની ટીમે બાંગ્લાદેશને હરાવી ટાઈટલ જીત્યું છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ૨૬૧ રન બનાવ્યા, જેમાં ભારતીય ટીમે ૪૮.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. આ ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડમાં ૨૧ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ભારતની વચ્ચે રમાઈ હતી.

આ અગાઉ બાંગ્લાદેશ અન્ડર-૧૯ ટીમના કેપ્ટન અકબર અલીએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહમુદુલ હસન જોયે ૧૦૯ અને પરવેજ હુસૈને ૬૦ રનની શાનદાર ઇનિંગ રમી પોતાની ટીમને ૨૬૧ ના એક સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. આ ત્રણે બેટ્સમેનો સિવાય બીજા કોઈ પણ મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યા નહોતા. ૬ બેટ્સમેન ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારત તરફથી કાર્તિક ત્યાગીએ ૪૯ રન આપી ૨ અને સુશાંત મિશ્રાએ ૩૩ રન આપી ૨ વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય અન્ડર-૧૯ ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. યશસ્વી જાયસવાળ અને દિવ્યાંશ સક્સેનાની ઓપનર જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૦૪ રનની શાનદાર ભાગીદારી કરી હતી. યશસ્વીએ ૫૦ અને દિવ્યાંશુસે ૫૫ રન બનાવ્યા હતા. ત્યાર બાદ કેપ્ટન પ્રિયમ ગર્ગે ૭૩ અને ધ્રુવ જુરેલે અણનમ ૫૯ રનની ઇનિંગ રમી ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી દીધું હતું.

 આ ટુર્નામેન્ટમાં ફાઈનલ સહિત કુલ ૧૩ મેચ રમી હતી. ભારતની ટીમે ૮ મેચમાં ૩ અને બાંગ્લાદેશે ૮ મેચમાં ૪ મેચ જીતી હતી. ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૨ જ મેચ જીતી શકી હતી, એક મેચ ટાઈ રહી અને ૨ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. અંતિમ લીગ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું, તેમ છતાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી.

(12:58 pm IST)