Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

તુર્કીના ફૂટબોલરને રેફરીને ધક્કો મારવાની મળી સજા: 16 મેચનો લાગ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: તુર્કીની ફૂટબોલ લીગમાં એક ખેલાડીએ ચાલુ મેચમાં રેફરીનું અપમાન કરતાં તેને ધક્કો માર્યો હતો. આ મામલે ગંભીરતાથી પગલાં લેતાં તુર્કીશ ફૂટબોલના સત્તાધીશોએ ગેરશિસ્ત બદલ ખેલાડી પર રેકોર્ડ ૧૬ મેચોનો પ્રતિબંધ મૂકી દીધો છે. વિવાદોના કેન્દ્રમાં રહેલો તુર્કીશ મિડ ફિલ્ડર એરડા તુરાન બાર્સેલોના ફૂટબોલ કલબમાંથી લોન પર તુર્કિશ કલબ બાસાક્સેહીરમાં જોડાયો છે. તુરાન હવે તુર્કીશ સુપર લીગની હાલની સિઝનના આખરી બે રાઉન્ડ ગુમાવશે અને આવતા વર્ષની અડધી સિઝન ફૂટબોલના મેદાનથી બહાર રહેશે. આસીસ્ટન્ટ રેફરી પર હૂમલો કરવા બદલ તેને ૧૦ મેચના પ્રતિબંધની સજા ફટકારવામાં આવી છે. જ્યારે રેફરીનું અપમાન કરવા બદલ ત્રણ મેચનો અને તેને ધમકી આપવા બદલ વધુ ત્રણ મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટના બાદ તુર્કીશ ફૂટબોલ ફેડરેશનની મીટિંગ મળી હતી અને તેમાં તુરાન પર ૧૬  મેચોના પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. તુર્કીશ ફૂટબોલના ઈતિહાસમાં કોઈ ખેલાડીને મળેલા આ મહત્તમ સજા છે. તેને ૩૯,૦૦૦ લીરા (૯,૨૦૦ ડોલર)નો પણ દંડ ફટકારવામાં આવ્યો છે. બાસાક્શેરીહ ટાઈટલ જીતવાની દાવેદાર હતી અને તારીખ ૪ મે ના રોજ તેઓ સિવાસ્પોર સામેની મેચમાં ૧-૦થી આગળ હતા. જોકે હરિફ ટીમે ત્યાર બાદ ગોલ ફટકારીને મેચ બરોબરી પર લાવી દેતાં બાસાક્શેરીહની ટાઈટલ જીતવાની આશાને ફટકો પડયો હતો. આ તબક્કે તુરાનને લાગ્યુ હતુ કે, આસીસ્ટન્ટ રેફરીના ખોટા નિર્ણયને કારણે તેમની ટીમને ફટકો પડયો હતો. તે દોડીને આસીસ્ટન્ટ રેફરી પાસે પહોંચ્યો હતો અને તેનું અપમાન કરતાં તેને જોરથી ધક્કો માર્યો હતો.

(4:58 pm IST)