Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ડે-નાઈટ મેચ જીતવાની ભારતમાં તાકાત છે: ગાંગુલી

નવી દિલ્હી: આધુનિક ટેકનોલોજી અને પરિવર્તનોને અપનાવવામાં બીસીસીઆઇ મોટાભાગે પાછી પાની કરતું રહ્યું છે. એક સમયે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટને અપનાવવામાં બીસીસીઆઇએ ભારે આનાકાની કરી હતી, જે પછી ડીઆરએસને પણ બીસીસીઆઇએ હવે મોડેથી અપનાવી લીધું છે.  જ્યારે ડે-નાઈટ ટેસ્ટ રમવાનું બીસીસીઆઇ હજુ ટાળી રહ્યું છે. જોકે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ડે-નાઈટ ટેસ્ટ અંગે પોઝિટીવ વલણ દર્શાવતા કહ્યું હતુ કે, ભારતમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ જીતવાની તાકાત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલ માત્ર બે જ દેશ એવા છે કે જેઓ પિંક બોલ થી ફલ્ડ લાઈટ્સમાં રમાતી ડે-નાઈટ ટેસ્ટનો અનુભવ મેળવવાથી વંચિત રહ્યા છે. આ યાદીમાં ભારતના સાથીદાર તરીકે બાંગ્લાદેશ છે. ગાંગુલીએ ડે-નાઈટ ટેસ્ટ અંગે બોલ્ડ નિવેદન કરતાં કહ્યું હતુ કે, આ જ ક્રિકેટનું ભાવિ છે. ભારતે આવનારા દિવસોમાં ક્યારેક તો ડે-નાઈટ ટેસ્ટ રમવી જ પડશે.  ગાંગુલીએ એક મુલાકાતમાં કહ્યું કે, ડે-નાઈટ ટેસ્ટ એ આગળ વધવાનો રસ્તો છે. દરેક દેશે ડે-નાઈટ ટેસ્ટ રમવી જ જોઈએ. ભારતને આ ફોર્મેટની સામે કેટલોક વાંધો છે, પણ ટેસ્ટ ક્રિકેટના લાંબા ગાળનું ભવિષ્ય ડે-નાઈટ ટેસ્ટ જ છે. વિદેશની ભૂમિ પર ભારતને ઐતિહાસિક વિજય અપાવનારા કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, ભારતની ટીમ ઘણી મજબુત છે અને તેમનામાં ડે-નાઈટ ટેસ્ટ જીતવાની તાકાત છે. આ અલગ પ્રકારની રમત છે, પણ આખરે તો તે ક્રિકેટ જ છે અને ભારત પાસે ઘણા ક્લાસિક ખેલાડીઓ છે, જેઓ ટીમને ગમે તેવી સ્થિતિમાં જીતાડવા માટે સક્ષમ છે. કોહલીની ગેરહાજરીમાં પણ ભારત અફઘાનિસ્તાન સામે ટેસ્ટ જીતશે તેવો ભરોસો વ્યક્ત કરતાં ગાંગુલીએ કહ્યું કે, આપણી ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓ છે અને મને વિશ્વાસ છે કે, ટીમ અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં જીત મેળવશે. આટલું જ નહિ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ ભારતનો દેખાવ ઉત્સાહજનક રહેશે.

(4:57 pm IST)