Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અમેરિકાના લેજન્ડરી બાસ્કેટબોલ ખેલાડી ડ્વેનએ 16 વર્ષની કારકિર્દીને કહ્યું અલવિદા

નવી દિલ્હી: અમેરિકાના લેજન્ડરી બાસ્કેટબોલ ખેલાડી ડ્વેન વેડે ૧૬ વર્ષની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકી દીધું હતુ. બૂ્રકલીનમાં વેડ જ્યારે માયામી હિટ તરફથી કારકિર્દીની આખરી મેચ રમવા ઉતર્યો ત્યારે તેને વિદાય આપવા માટે વર્ષો વર્ષ તેની સાથે રમનારા દિગ્ગજ ખેલાડીઓ લેબ્રોન જેમ્સ, ક્રિસ પોલ તેમજ કાર્મેલો એન્ટોની વિગેરે સ્ટેન્ડ્સમાં ઉપસ્થિત રહ્યા હતા. વેડે કારકિર્દીની આખરી મેચમાં ૨૫ પોઈન્ટ્સ નોંધાવ્યા હતા, જ્યારે ૧૧ રિબાઉન્ડ્સ મેળવ્યા હતા અને ૧૦ આસીસ્ટ કર્યા હતા. જોકે તેની ટીમને બૂ્રકલીન નેટ્સ સામે ૯૪-૧૧૩થી હારનો સામનો કરવો પડયો હતો. વર્ષ ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ અને ૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમમાં વેડ સામેલ હતો. તે ૧૬ સિઝનની એનબીએ કારકિર્દીમાં માયામી હિટની સાથે શિકાગો બુલ્સ અને ક્લેવલેન્ડ કેવેલિયર્સ તરફથી પણ રમ્યો હતો. વર્ષ ૨૦૦૬, ૨૦૧૨ અને ૨૦૧૩માં એનબીએ ટાઈટલ જીતનારી માયામી હિટ ટીમમાં તે સામેલ હતો. વર્ષ ૨૦૦૬ની એનબીએ ફાઈનલ્સના મોસ્ટ વેલ્યુએબલ ખેલાડીનો ખિતાબ પણ તેને જ મળ્યો હતો. 

(5:53 pm IST)