Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

કોરોના ખૌફ : વિદેશી ખેલાડી ન રમે તેવી જોરદાર સંભાવના

૧૫મી એપ્રિલ સુધી તમામના વિઝા રદ રહેનાર છે : ૧૪ માર્ચના દિવસે આઈપીએલના ભાવિ સંદર્ભમાં નિર્ણય

ધર્મશાલા, તા. ૧૨ : દુનિયાભરમાં કોરોના વાયરસના ખતરા વચ્ચે હાહાકાર મચેલો છે. આના કારણે જુદી જુદી રમતોને રદ કરવામાં આવી રહી છે. કોરોનાના લીધે ઇન્ડિયન પ્રિમિયર લીગ ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સુત્રોએ કહ્યું છે કે, કોરોનાને લઇને વિઝા નિયંત્રણોની અસર વિદેશી ખેલાડીઓ ઉપર જોવા મળી શકે છે. આના કારણે વિદેશી ખેલાડીઓને ભારતમાં આવવાની તક નહીં  મળે તેવી શક્યતા છે. આઈપીએલ ઉપર કોરોનાના વાદળો ઘેરાઈ ગયા છે. ૧૩મી માર્ચ સુધી જારી થયેલા તમામ વિઝા અને ઇવિઝા રદ કરી દેવામાં આવ્યા છે. ૧૫મી એપ્રિલ સુધી આ વિઝા રદ રહેશે. આવી સ્થિતિમાં વિદેશી ખેલાડીઓના આઈપીએલમાં સામેલ થવાની ચર્ચા તીવ્ર બની રહી છે. જો કે, આઈપીએલમાં રમનાર વિદેશી ખેલાડીઓના વર્કવિઝા અથવા તો ઇમ્પાઈ વિઝા હેઠળ આવે છે. આવી સ્થિતિમાં આઈપીએલમાં સામેલ થવાની શક્યતા દેખાઈ રહી છે.

            ખેલાડી પોતે આઈપીએલમાં આવવાને લઇને અંતિમ નિર્ણય કરશે. ભારતમાં કોરોના વાયરસના હજુ સુધી ૭૩ કેસ નોંધાઈ ચુક્યા છે. વાયરસના કરણે હજુ સુધી ૪૦૦૦થી વધુના મોત થઇ ચુક્ય છે. આઈપીએલના ભાવિને લઇને નિર્ણય ૧૪મી માર્ચના દિવસે લેવામાં આવશે. મુંબઈમાં સંચાલન પરિષદની બેઠક યોજાનાર છે. તમામ નિર્ણય મુંબઈમાં સંચાલન પરિષદની બેઠકમાં કરાશે. એક વિકલ્પ એ પણ છે કે, ૨૯મી માર્ચથી શરૂ થઇ રહેલી આઈપીએલની મેચોને ખાલી મેદનમાં કરાવવામાં આવે. રમતગમત મંત્રાલય દ્વારા કોરોના વાયરસથી અસરગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં લઇને બીસીસીઆઈ સહિત તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘને આરોગ્યમંત્રાલયની સલાહ માનવાની ફરજ પડનાર છે. રમતગમત મંત્રાલય દ્વારા સ્પર્ધા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને એકત્રિત ન કરવા સૂચના આપી છે.

(9:55 pm IST)