Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વોર્નની જેમ બોલને હવામાં સ્પિન કરાવવાની ક્ષમતાને કારણે જ કુલદીપ ચહલ કરતાં શ્રેષ્ઠ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેને ગણાવી ચાઈનામેન બોલરની ખાસિયત, કહ્યું.. : ઓફ સ્પિનરોએ મર્યાદિત ઓવરોની મેચમાં સફળ થવું હશે તો સાહસિક બનવુ પડશે

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ હેડનના મતે શેન વોર્નની જેમ બોલને ટપ્પો પડે એ પહેલાં જ હવામાં સ્પિન કરાવવાની ક્ષમતા (ડ્રિફ્ટ)ને કારણે જ કુલદીપ યાદવનો સામનો કરવો યુઝવેન્દ્ર ચહલ કરતાં વધુ અઘરો છે. આ બન્ને કાંડાની મદદથી સ્પિન કરનારા ભારતીય સ્પિનરોની હાલમાં બોલબાલા છે, કારણ કે આંગળીની મદદથી સ્પિન કરનારાઓ ઓછા સાહસિક છે. કુલદીપ અને ચહલે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોને હેરાન કર્યા છે. કહ્યું કે લેગ સ્પિનર તમને વિકલ્પ અને વિવિધતા આપે છે. કુલદીપનો મજબૂત પક્ષ એ નથી કે તે બોલને વધુ સ્પિન કરાવે છે, પરંતુ વોર્નની જેમ તેનો બોલ હવામાં સ્પિન થઈને બેટ્સમેન સુધી પહોંચે છે.

પોતાના સમયમાં હરભજન સિંહ અને અનિલ કુંબલે સામે ઘણા સફળ રહેલા અને ટેસ્ટમાં ૮૦૦૦ કરતાં વધુ રન કરનારા હેડને કહ્યું હતું કે ચહલનો સામનો થઈ શકે. તે અલગ પ્રકારનો બોલર છે. સ્ટમ્પ પર બોલિંગ કરે છે. સપાટ અને સીધો બોલ નાખે છે. તેને ડ્રિફ્ટ નથી મળતી. જો હું ખેલાડી હોઉં તો ચહલનો સામનો કરું, કારણ કે તેને ડ્રિફ્ટ નથી મળતી.

આંગળીની મદદથી સ્પિન કરતા ઓફ સ્પિનરોને આજકાલ વધુ સફળતા નથી મળતી એ વિશે હેડને કહ્યું હતું કે ઓફ સ્પિનરોએ બેટ્સમેનોને રોકવાની કળા શીખી હતી જેને કારણે તેઓ ચોક્કસ સમય સુધી બેટ્સમેનો પર હાવી રહ્યા હતા, પરંતુ હવે ખેલાડીઓ ઓફ સ્પિનરોના સપાટ બોલને ઓળખી ગયા છે. ઓફ સ્પિનરો પણ બોલની ઝડપમાં વિવિધતા લાવવાની કલા ભૂલી ગયા છે. બોલરોએ સફળ થવું હશે તો વધુ સાહસિક બનવું પડશે.

(3:39 pm IST)