Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ભારતીય મહિલા હોકી ટીમે દ.કોરિયા સામે જીતી પાંચ મેચોની સિરીઝ

નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમે સાઉથ કોરિયા પ્રવાસમાં યજમાનો સામેની પાંચ મેચની હોકી સિરિઝ ૩-૧થી જીતી લીધી હતી. આજે રમાયેલી શ્રેણીની પાંચમી અને આખરી હોકી મેચ ૧-૧થી ડ્રો રહી હતી. ભારતે ચોથી મેચમાં વિજય મેળવતા શ્રેણીમાં ૩-૧થી જીત નિશ્ચિત કરી લીધી હતી. જે પછી ઔપચારિક બની રહેલા આખરી મુલાકાતમાં કોરિયાએ જોરદાર રમત દર્શાવી હતી. આખરી ક્વાર્ટરમાં ભારત તરફથી વંદના કટારિયાએ ૪૮ મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. જે પછી મેચની ૫૦મી મિનિટે કોરિયાને બોમી કિમે બરોબરી અપાવી હતી. સાઉથ કોરિયાના પ્રવાસમાં રાની રામપાલની આગેવાની હેઠળની ભારતની ટીમે પ્રથમ મેચમાં કોરિયાને ૧-૦થી પરાજય આપ્યો હતો. આ પછી બીજી મેચમાં ભારતે ૩-૨થી વિજય મેળવ્યો હતો. ત્રીજી મેચમાં કોરિયાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો. જોકે ચોથી મેચમાં ભારતે ૩-૧થી યજમાનોને હરાવીને સિરિઝમાં ૩-૧થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.

(7:18 pm IST)