Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

રોહિતનું ફોર્મ બન્યુ ભારતીય ટીમનું ટેન્શન

ટીમ ઈન્ડિયા હારનો બદલો લેવા તૈયાર : સાંજે ૭ વાગ્યાથી મુકાબલોઃ આ મેચ જીતવી અનિવાર્ય, અન્યથા ફાઈનલ માટેનો માર્ગ બનશે પડકારજનક : રિષભ પંત અથવા તો લોકેશ રાહુલમાંથી કોઈ એકને ટીમમાં મળશે સ્થાન

ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચમાં યજમાન શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. ભારતે આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચવા માટે પોતાની આશાને જીવંત રાખવી પડશે. ભારત માટે હાલમાં ટેન્શન છે. ખુદ કેપ્ટન રોહિત શર્માના ફોર્મનું. સ્ટેન્ડ - ઈન - કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ સાઉથ આફ્રિકા સિરીઝની શરૂઆતથી જ છે. રોહિતે છેલ્લી પાંચ મેચમાં ૧૭, ઝીરો ૧૧, ઝીરો અને ૨૧ રન બનાવ્યા છે. આ મેચમાં રીષભ પંતને એક તક અપાય તેવી શકયતા છે. જો કે તેણે પોતાની ક્ષમતા પુરવાર કરવી પડશે. લોકેશ રાહુલ જેવો ખેલાડી તકની રાહ જોઈ રહ્યો છે. જો રાહુલ ઓપનીંગ કરે તો રોહિત ચોથા ક્રમાંકે બેટીંગ કરી શકે છે.

 

ત્રણેય ટીમોના બે - બે પોઈન્ટ

ભારતે આ ટુર્નામેન્ટમાં શરૂઆત સારી નહોતી કરી. પહેલી મેચમાં એ શ્રીલંકા સામે પાંચ વિકેટે હારી ગઈ હતી, પરંતુ બીજી મેચમાં વાપસી કરતાં બંગલાદેશને ૬ વિકેટે હરાવ્યુ હતું. ટુર્નામેન્ટમાં હાલમાં તમામ ત્રણેય ટીમો પાસે બરાબરીની તક છે, કારણ કે તમામે બે મેચોમાં ૧-૧માં જીતી મેળવી છે. જો કે શ્રીલંકાની ટીમ નેટ રન રેટમાં ભારત અને બાંગ્લાદેશ કરતા આગળ છે.

ઉનડકટની નબળાઈ

ઓપનર શિખર ધવન શાનદાર ફોર્મમાં છે. તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સતત બે હાફ સેન્ચુરી ફટકારી છે. અન્ય ખેલાડીઓમાં મનીષ પાંડે (૩૭ અને ૨૭ રન) સારા લયમાં છે. તે વાપસી કરનાર સુરેશ રૈના અને દિનેશ કાર્તિક સાથે મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળશે. બોલીંગમાં જયદેવ ઉનડકટે પ્રદર્શનમાં સાતત્ય દાખવવાની જરૂર છે. તેણે બે મેચમાં અત્યાર સુધી ૪ વિકેટ લીધી છે. પરંતુ રન ઘણા આપ્યા છે જેની બોલરોનું નેતૃત્વ કરનાર બોલર પાસેથી આશા નથી રખાતી. બીજી તરફ યુવા અને બિનઅનુભવી વોશીંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને વિજય શંકરે સારી બોલીંગ કરી છે.

શ્રીલંકા માટે સકારાત્મક પાસુ

શ્રીલંકા બાંગ્લાદેશ સામે મળેલી પાંચ વિકેટની હારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશના બોલરોએ શ્રીલંકાના બોલરો સામે સારી રમત બતાવી હતી. જેમાં યજમાન ટીમ સુધારો કરવાની આશા રાખશે. બીજી તરફ બેટીંગમાં કુશાલ પરેરા અને કુશાલ મેન્ડીસ સારા ફોર્મમાં છે જેને કારણે ભારતીય બોલરોએ સતર્ક રહેવું પડશે.

પોઈન્ટ ટેબલ

ટીમ       મેચ    જીત   હાર  પોઈન્ટ  રનરેટ

શ્રીલંકા   ૨       ૧      ૧     ૨     ૦.૨૯૭

ભારત    ૨       ૧      ૨     ૨     -૦.૦૩૫

બાંગ્લા  ૨      ૧      ૧      ૨      -૦.૨૩૧

(11:42 am IST)