Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

વુમન ટી-૨૦ ટ્રાઈ સીરીઝ : ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં ભારતને ૧૧ રનથી હરાવી ટુર્નામેન્ટ જીતી

ઓસ્ટ્રેલિયાના 155 રનના જવાબમાં ભારતીય ટીમ 144 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મહિલા ટી-૨૦ ત્રિકોણીય સીરીઝની ફાઈનલમાં ઓસ્ટ્રેલીયન મહિલાઓએ ભારતીય મહિલા ટીમને ૧૧ રનથી હરાવી ટાઈટલ જીત્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. જવાબમાં રમતા ભારતની  ટીમ ૨૦ ઓવર રમી ૧૪૪ રનમાં ઓલ આઉટ થઈ ગઈ અને ૧૧ રનથી મેચ હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ શરૂઆત સારી રહી નહોતી. એલીસા હિલી માત્ર ૪ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ બેથ મુની અને એશ્લે ગાર્ડનરે મળી બીજી વિકેટ માટે પચાસ રન જોડ્યા હતા. એશ્લે ગાર્ડનર ૨૬ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. અહીંથી લેનિંગે જવાબદારી સંભાળતા ૨૬ રનની ઇનિંગ રમી હતી. બેથ મુનીએ એક તરફથી ઇનિંગ સંભાળતી રહી અને ૫૪ બોલમાં અણનમ ૭૧ રનની ઇનિંગ રમી હતી. નીચલા ક્રમથી રોસેલ હેન્સે ૭ બોલમાં ૧૮ રન બનાવ્યા અને ટીમનો કુલ સ્કોર ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૫ રન પર પહોંચાડી દીધો હતો. ભારત માટે દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડને બે-બે સફળતા મળી હતી.

ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ઓપનર શેફાલી વર્મા દસ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઋચા ઘોષે સ્મુતી મંધાના સાથે થોડી પાર્ટનરશીપ જરૂર કરી પરંતુ ૧૭ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. અહીંથી ભારતીય ટીમના ખેલાડીઓનો આઉટ થવાનો સિલસિલો શરુ થયો હતો. સ્મુતિ મંધાનાએ એકલાએ ટીમની આશાને જીવંત રાખી પરંતુ અન્ય બેટ્સમેનોના બેટથી રન બન્યા નહીં. સ્મુતિ મંધાનાએ ૩૭ બોલમાં આક્રમક ઇનિંગ રમતા ૬૨ રન બનાવ્યા હતા. ઝડપી રન બનાવવાના દબાવના કારણે ભારતીય ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી અને ૨૦ ઓવરમાં ૧૪૪ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે જેસ જોનાસને શાનદાર બોલિંગ કરતા ૧૨ રનમાં પાંચ વિકેટ લીધી અને પ્લયેર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી. બેથ મુનીને પ્લયેર ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવી હતી.

(1:59 pm IST)