Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રોટ્ટેરડામ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ફેડરર તૈયાર

નવી દિલ્હી: સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે તાજેતરમાં કારકિર્દીનું રેકોર્ડ છઠ્ઠુ ઓસ્ટ્રેલિયન ઓપન અને ૨૦મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતીને નવો ઈતિહાસ આલેખ્યો હતો. હવે તે વર્લ્ડ નંબર વનનો ગુમાવેલો તાજ પાછો મેળવવાની તૈયારી કરી રહ્યો છે. ૩૬ વર્ષીય ટેનિસ સ્ટાર રોટ્ટેરડામ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આવતીકાલથી શરૃ થઈ રહેલી ટુર્નામેન્ટમાં જો ફેડરર સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે તો તે નડાલને પાછળ ધકેલીને એટીપી રેન્કિંગમાં નંબર વન બની જશે. ટેનિસના ઓપન એરામાં સૌથી મોટી ઉંમરે વર્લ્ડ નંબર વન બનવાની સિદ્ધિ અમેરિકાના લેજન્ડરી ટેનિસ સ્ટાર એન્ડ્રે અગાસીના નામે નોંધાયેલી છે. અગાસીએ સપ્ટેમ્બર, ૨૦૦૩માં જ્યારે વર્લ્ડ નંબર વનનો તાજ છઠ્ઠી વખત મેળવ્યો ત્યારે તે ૩૩ વર્ષનો હતો. જ્યારે ફેડરર ૩૬ વર્ષની ઉંમરે નંબર વન બનીને અગાસીનો રેકોર્ડ તોડી નાંખશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. હોલન્ડમાં રમાતી ટુર્નામેન્ટમાં આયોજકોએ ફેડરરને વાઈલ્ડ કાર્ડની ઓફર કરી હતી અને તેણે તે સ્વીકારી લીધું છે. જેના કારણે હવે ઈજાગ્રસ્ત નડાલ ટોચનું સ્થાન ગુમાવશે તે પણ નશ્ચિત મનાય છે. ફેડરર વર્ષ ૨૦૦૫ અને ૨૦૧૨મા રોટ્ટેરડામ ઓપન જીતી ચૂક્યો છે અને તેણે જણાવ્યું છે કે, ટુર્નામેન્ટનું તેના દિલમાં ખાસ સ્થાન રહ્યું છે. હું અહી પહેલી વખત ૧૯૯૯માં રમ્યો હતો. આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૃઆતમાં મને ઉચ્ચ સ્તરનો અનુભવ પુરો પાડનારી કેટલીક ટુર્નામેન્ટ્સમાં રોટ્ટેરડામનો સમાવેશ થાય છે.

 


 

(4:22 pm IST)