Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર : હરમનપ્રીત કૌરને મળી કેપ્ટનશીપ

બંગાળની બેટ્સમેન રિચા ઘોષ ટીમમાં એકમાત્ર નવો ચહેરો

નવી દિલ્હી : આગામી ટી-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઘોષણા કરવામાં આવી છે. મેગા ઇવેન્ટ માટે હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન બનાવવામાં આવેલ છે, જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઇસ કેપ્ટન છે.

21 ફેબ્રુઆરીથી શરૂ થનારી આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે અને બંગાળની બેટ્સમેન રિચા ઘોષ હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી ટીમમાં એકમાત્ર નવો ચહેરો છે. ટીમમાં અન્ય કોઈ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વળી, હરિયાણાની 15 વર્ષીય શેફાલી વર્મા પણ તેની પ્રથમ સીઝનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક સારા પ્રદર્શન બાદ પ્રથમ વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેશે.

મહિલા ચેલેન્જર ટ્રોફીમાં તાજેતરમાં રિચાને તેના સારા પ્રદર્શનનો લાભ મળ્યો હતો, તેણે 26 બોલમાં ચાર ચોક્કા અને એક છક્કાની મદદથી 36 રન બનાવ્યા હતા. પસંદગીકારોએ ટી-20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે 16 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી હતી, જેમાં નુઝહત પરવીન 16 માં સભ્ય તરીકે છે. આ ટૂર્નામેન્ટ 31 જાન્યુઆરીથી શરૂ થાય છે.

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, વેદ કૃષ્ણમૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી, નુઝહત પરવીન.

(9:51 pm IST)