Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ર૪ મી જાન્‍યુઆરીથી યોજાનાર ક્રિકેટ શ્રેણી ન્‍યુઝીલેન્‍ડ પ્રવાસ માટે ભારતીય ટીમના હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્‍ટ પાર પાડી ન શક્યા : ટીમમાં ફેરફારની શકયતા

મુંબઇ: ન્યૂઝીલેન્ડના છ સપ્તાહના આગામી પ્રવાસ માટે ભારતની મર્યાદિત ઓવર્સની ટીમમાં વધારે ફેરફાર થાય તેવી નહિવત સંભાવના છે, એકમાત્ર ફેરફાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને સામેલ કરવાનો થઇ શકે છે. જો કે, મોડી રાતના અહેવાલ અનુસાર હાર્દિક પંડયા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે.

 

ભારતીય ટીમ ૨૪મી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પાંચ ટી૨૦ ઇન્ટરનેશનલ, ત્રણ વન-ડે તથા બે ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ માટેની પસંદગી રવિવારે કરાશે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમ વ્હાઇટ બોલથી ૮ મેચ રમશે, પસંદગીકારો ૧૫ના બદલે ૧૭ ખેલાડીઓની પસંદગી કરે છે કે કેમ તે રસપ્રદ બની રહેશે. ટીમની પસંદગી વખતે હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રહાણે તથા સંજૂ સેમસન ઉપર નજર રહેશે.

ભારત-એ ટીમના પ્રવાસ પણ સિનિયર ટીમના પ્રવાસની સાથે જ છે તો પસંદગીકારોને જરૂર પડશે તો તેઓ એ-ટીમમાંથી તાત્કાલિક બોલાવી શકશે. ચાલુ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો હોવાથી પસંદગીકારોનું મુખ્ય ધ્યાન વ્હાઇટ બોલ ક્રિકેટના મહત્ત્વપૂર્ણ ખેલાડીની પસંદગી ઉપર વધારે રહેશે. શ્રીલંકા સામે રમાયેલી તાજેતરની શ્રેણીમાં રમનારી ટ૨૦ ટીમના ખેલાડીઓની પસંદગી નિિૃત છે પરંતુ એ-ટીમ સાથે ન્યૂઝીલેન્ડ પહોંચી ચૂકેલો હાર્દિક બે વન-ડે પ્રેક્ટિસ મેચ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની લિસ્ટ-એની બે મેચમાં પસંદ થયો નથી, એના બદલે તામિલનાડુના વિજય શંકરની પસંદગી થઈ છે.

વન-ડે તથા ટી૨૦ ટીમ એકસરખી છે કે નહીં તે રસપ્રદ રહેશે. વન-ડે ટીમમાં સૌથી મોટી નબળી કડી કેદાર જાધવ છે જે દબાણ હોવા છતાં વન-ડે ટીમમાં સ્થાન જાળવી શક્યો છે. જો ટીમના ટેક્નિકલ પાસાને જોવામાં આવે તો અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું પુનરાગમન થઇ શકે છે પરંતુ જો પસંદગીકારો તેની અવગણના કરશે તો મુંબઇના સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગને જોતાં તેને પાંચમા કે છઠ્ઠા ક્રમના વિકલ્પ તરીકે જોવામાં આવી શકે છે.

પસંદગીકારો ન્યૂઝીલેન્ડની બાઉન્સી તથા પ્લેસિડ પિચોને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શણી અને ઇશાન્ત શર્માને સાથ આપવા માટે નવદીપ સૈનીનો પાંચ બોલર તરીકે ટીમમાં સમાવેશ કરી શકે છે. બીજી તરફ ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવનો પણ સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. ભારતીય ટીમમાં હાલ ફિટનેસ અંગે કોઇ સમસ્યા નથી.

(1:19 pm IST)