Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ટ્વીટર ઉપર વિરાટ કોહલી અને એમ.એસ. ધોનીની દોસ્તી છવાઇઃ વિરાટ કોહલીએ કરેલી ટ્વીટ ૪૬૦૦૦ વખત રિટ્વીટ થઇઃ ૪.૧૩ લાખ લોકોએ લાઇક કરી

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અનેક વખત કહ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોની તેના માટે પ્રેરણાસ્રોત રહેશે. કોહલી ભારતીય કેપ્ટન હોવા છતાં પણ એમ કહેતો રહે છે કે, માહી ભાઈ હંમેશાં તેનો કેપ્ટન રહેશે. મેદાન પર આ બંને દિગ્ગજોની આંતરિક સુજબૂઝ અને દોસ્તી જોવા મળતી રહે છે. હવે આ દોસ્તી મેદાનમાંથી બહાર નિકળીને ટ્વીટર પર ઝંડા લહેરાવી રહી છે. વિરાટ કોહલીએ આ વર્ષે એમએસ ધોનીના જન્મદિવસે જે ટ્વીટ કરી હતી, તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

ટ્વીટર ઈન્ડિયા અનુસાર કોહલીની ધોનીની વર્ષગાંઠ અંગેની ટ્વીટ આ વર્ષે કોઈ પણ સ્પોર્ટિંગ ઈવેન્ટની સૌથી વધુ રિટ્વીટ કરાયેલી ટ્વીટ છે. વિરાટ કોહલીએ આ ટ્વીટમાં લખ્યું હતું કે, "જન્મદિન મુબારક માહી ભાઈ@msdhoni. ઘણા ઓછા લોકો હોય છે તો વિશ્વાસ અને સન્માનનો અર્થ સમજી શકે છે. મને આનંદ છે કે આપણી આટલા વર્ષોની દોસ્તી છે. તમે હંમેશાં સૌના મોટા ભાઈ જેવા રહ્યા છો અને જેવું કે હું અગાઉ પણ કહી ચુક્યો છું, તમે હંમેશાં મારા કેપ્ટન રહેશો."

વિરાટ કોહલીએ આ ટ્વીટ 7 જુલાઈના રોજ કરી હતી, જે અત્યાર સુધી લગભગ 46,000 વખત રીટ્વીટ થઈ છે અને લગભગ 4.13 લાખ લોકોએ તેને લાઈક કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગે હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે તેના અંગે તાજેતરમાં જ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં ધોનીના ટીમ ઈન્ડિયામાં પુનરાગમન અંગે નિર્ણય લેવા માટે હજુ ઘણુ સમય બાકી છે.

ઉલ્લેખનીય છે કે, ધોની ચાલુ વર્ષે જુલાઈ મહિના પછી ટીમ ઈન્ડિયા સાથે ક્રિકેટ રમ્યો નથી. તેણે બારત માટે અંતિમ મેચ આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જે ટૂર્નામેન્ટની સેમિફાઈનલ પણ હતી. ત્યાર પછી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને વન ડે શ્રેણીરમી છે. હવે તે વેસ્ટ ઈન્ડીઝ સાથે બીજી શ્રેણી રમી રહી છે.

(4:49 pm IST)