Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ઈટાલીના 'પરીલોક'માં થશે બે સ્ટારનું મધુર મિલન

રિસોર્ટમાં પાંચ વિલા સાથે ૨૨ રૂમ : દુનિયાના સૌથી મોંઘા રિસોર્ટમાંથી એક

રોમઃ આ પરીલોક છે, ધરતી પર ઊતરેલું એવું લોક, જયાં કુદરતી સૌંદર્ય ચારે તરફ વિખરાયેલું છે. જી હા, ઈટાલીના રિસોર્ટમાં આવો અદ્બુત નજારો જોવા મળે છે. અહીં ક્રિકેટર વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાત જન્મના બંધનમાં બંધાવાના છે. બે સ્ટારના મિલનની ચાંદી અહીં વિખેરાશે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

દક્ષિણ ઇટાલીના ટસ્કની શહેર સ્થિતિ રિસોર્ટ તૈયાર છે. દુલ્હા-દુલ્હનના પરિવારજનો અને નજીકના મિત્રો સમારોહ સ્થળે જવા માટે અગાઉથી જ રવાના થઈ ચૂકયા છે. અનુષ્કાનું સપનું હતું કે તે લગ્ન દ્રાક્ષના બગીચાની વચ્ચે કરે. ઇટાલીનો આ રિસોર્ટ અનુષ્કનાનાં સપનાંમાં રંગ ભરશે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણા દિગ્ગજ અહીં પોતાનું વેકેશન માણી ચૂકયા છે. આ રિસોર્ટ ૧૩મી સદીના ગામ સિયાનામાં બનાવાયો છે. ૨૦૦૧માં એક શખશે આખા ગામને જ ખરીદી લઈને અહીં રિસોર્ટ બનાવી દીધો. હજુ પણ ગામ જેવા જ દેખાતા રિસોર્ટનું નામ 'બોર્ગો ફિનોશિયેતો' છે, જેનો અર્થ થાય છે, 'ઉપવન અથવા બગીચાવાળું ગામ'.

'બોર્ગો ફિનોશિયેતો' ગામ ઇટાલીના સિયાના સ્ટેશનથી ૩૪ કિલોમીટર અને બિબિયાનો કેસલ (મહેલ)થી ફકત બે કિલોમીટર દૂર છે. વાઇન માટે મશહૂર મોન્ટાલકિનોની બાજુમાં હોવાને કારણે આ રિસોર્ટની આસપાસ દ્રાક્ષના અસંખ્ય બગીચા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સિયાના ગામ વિયા ફ્રાંસિગેના રોડના કિનારે વસ્યું હતું. ૮૦૦ વર્ષ પહેલાં આ રસ્તેથી જ રોમથી તીર્થયાત્રી કેન્ટબરી જતા હતા. કેન્ટબરીમાં મુખ્ય ચર્ચ આવેલું છે, જેને કારણે યુનેસ્કોએ કેન્ટબરીને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યું છે. આ રિસોર્ટને વિરાટ-અનુષ્કાનાં લગ્ન માટે ખાસ ડિસેમ્બરમાં જ ખોલવામાં આવ્યો છે, અન્યથા આ સિઝનમાં રિસોર્ટ બંધ હોય છે.

રિસોર્ટમાં પાંચ વિલા સાથે ૨૨ રૂમ છે. ખાણીપીણીની સાથે શાનદાર વાઇન માટે મશહૂર આ દુનિયાના સૌથી મોંઘા રિસોર્ટમાંનો એક છે.

(3:50 pm IST)