Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ભારત માત્ર ૧૧૨ રનમાં ખખડયું પ્રથમ વન ડેમાં શ્રીલંકાનો વિજય

શ્રીલંકા સામે ભારત ઘરઆંગણે ૨૦૦૯ પછી પહેલી વન ડે હાર્યું : શ્રીલંકા સાત વિકેટથી જીત્યું: એક તબક્કે ભારતનો સ્કોર ૨૯/૭ હતો : ધોનીની ૬૫ રનની લડાયક ઈનિંગ

ધરમશાલા,: કોહલીની ગેરહાજરીમાં ભારતીય બેટ્સમેનોએ નાલેશીભર્યો ધબડકો કરતાં શ્રીલંકાએ ધરમશાલામાં રમાયેલી પ્રથમ વન ડેમાં ૨૯.૨ ઓવર બાકી હતી ત્યારે સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવતા ભારતનો સ્કોર ૨૯/૭ થઈ ગયો હતો અને ટીમ ઇન્ડિયા ૧૧૨માં જ ખખડી ગઈ હતી. શ્રીલંકાએ માત્ર ૨૦.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૧૪ રન કરતાં મેચ જીતી લઈને ત્રણ મેચની શ્રેણીમા ૧-૦થી સરસાઈ પ્રાપ્ત કરી હતી.

આ સાથે શ્રીલંકાએ આઠ વર્ષ બાદ ભારતને ભારતની ભૂમિ પર વન ડેમાં હરાવ્યું હતુ. શ્રીલંકાએ છેલ્લે વન ડેમાં ભારતને ભારતની ભૂમિ પર ૨૦૦૯માં હરાવ્યું હતુ, જે પછી તેમનો આ ભારતમાં યજમાન ટીમ સામેનો પ્રથમ વિજય છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની બીજી વન ડે ૧૩મીને બુધવારે રમાશે.

ભારતના ટોચના બેટ્સમેનોનો નાલેશીભર્યો ધબડકો

ધરમશાલાની બાઉન્સી પીચ પર કોહલીની ગેરહાજરીમાં ભારતના ટોચના બેટ્સમેનોએ નાલેશીભર્યો ધબડકો કર્યો હતો. શ્રીલંકા સામે ટોસ ગુમાવીને બેટીંગ કરતા ભારતે બીજી ઓવરના આખરી બોલ પર ધવન (૦)ની વિકેટ ગુમાવી ત્યારે ટીમનું ખાતુ પણ ખુલ્યું નહતુ. આ પછી લકમલ ત્રાટક્યો હતો અને તેણે રોહિત શર્મા (૨), દિનેશ કાર્તિક (૦) અને મનીષ પાંડે (૨)ને પેવેલિયન ભેગા કર્યા હતા. પ્રદિપે ઐયર (૯) અને હાર્દિક પંડયા (૧૦)ની વિકેટ ઝડપી તો લકમલે ભુવનેશ્વર (૦)ને આઉટ કરતાં ભારતનો સ્કોર ૨૯/૭ થઈ ગયો હતો.

ધોનીનો એકલા હાથે સંઘર્ષ : ૮૭ બોલમાં ૬૫ રન ફટકાર્યા

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ સુપરસ્ટાર્સના ધબડકા વચ્ચે એકલા હાથે સંઘર્ષ કરતાં ૮૭ બોલમાં ૬૫ રન ફટકાર્યા હતા. ધોની ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર  ૪/૧૬  થઈ ગયો હતો. આ પછી તેણે કુલદીપ યાદવ (૧૯)ની મદદથી આઠમી વિકેટની ભાગીદારીમાં ૪૧ રન ફટકાર્યા હતા. ધોનીએ ફરી વખત તેની પ્રતિભા બતાવતા ૮૭ બોલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૫ રન ઝૂડયા હતા. તેણે જ ભારતને શરમજનક સ્થિતિમાંથી ઉગારતાં ૧૦૦ને પાર પહોંચાડયું હતુ.  શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ તરખાટ મચાવતા ભારતનો નાલેશીભર્યો ધબડકો થયો હતો. શ્રીલંકાના મીડિયમ પેસર લકમલે પ્રથમ ટેસ્ટ બાદ પ્રથમ વન ડેમાં પણ સપાટો બોલાવતા ૧૩ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. નુવાન પ્રદીપે ૩૭ રનમાં બે વિકેટ મેળવી હતી. જ્યારે મેથ્યૂસ, થીસારા પરેરા, ધનંજયા અને પથિરાનાને એક-એક વિકેટ મળી હતી.

થારંગાના ૪૯ : શ્રીલંકાએ ૨૦.૪ ઓવરમાં જીત મેળવી

જીતવા માટેના ૧૧૩ના આસાન લાગતા પડકારનો પીછો કરવા ઉતરેલા શ્રીલંકાને ભારતીય બોલરોએ પરેશાન કર્યું હતુ. બુમરાહે ગુણાથિલાકા (૧) અને ભુવનેશ્વરે થિરિમાને (૦)ની વિકેટ ઝડપતાં શ્રીલંકાનો સ્કોર ૧૯/૨ થઈ ગયો હતો. જોકે થારંગાએ એક છેડેથી લડાયક બેટીંગ કરતાં ૪૬ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૪૯ રન કર્યા હતા. જેને પંડયાએ એક રન માટે અડધી સદીથી વંચિત રાખ્યો હતો. આખરે મેથ્યૂસ (૨૫*) અને ડિકવેલા (૨૬*)ની જોડીએ અણનમ ૪૯ રનની ભાગીદારી કરતાં ટીમને જીત અપાવી હતી.

 

(12:18 pm IST)