Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મુંબઇ ઇન્‍ડિયન્‍સ ટીમના સુકાની રોહિત શર્માએ છઠ્ઠી આઇપીએલ ટ્રોફી પોતાના નામે કરવાનો રેકોર્ડ સ્‍થાપ્‍યો

મુંબઈ: રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગના સૌથી સફળ સુકાની છે. અત્યાર સુધી તેમણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 5 વખત પોતાની કુશળ કપ્તાનીથી ટૂર્નામેન્ટમાં વિજયી બનાવી છે. IPLની 13મીં સિઝનની ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી તેમણે દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

157 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ પાંચમી વખત ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહી. જો કે રોહિત માટે આ છઠ્ઠી IPL ટ્રોફી પોતાના નામે કરવાનો રેકોર્ડ નોંધાયો છે. મુંબઈ માટે 5 ખિતાબ ઉપરાંત પણ રોહિતે અન્ય એક ટીમ તરફથી રમીને તેને ચેમ્પિયન બનાવી હતી.

મુંબઈના સુકાનીએ 2020માં IPL ખિતાબ જીતવા સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કર્યો, જે આજ સુધી કોઈ પણ ટૂર્નામેન્ટની ટીમના કેપ્ટને નથી કરી બતાવ્યો. વર્ષે 2013માં પ્રથમ વખત મુંબઈને IPL ચેમ્પિયન બનાવનાર રોહિતે ટીમને પાંચમી વખત ટ્રોફી જીતાડી.

જો કે રોહિતે પોતાની સૌથી પહેલો IPL ખિતાબ મુંબઈ નહીં, પરંતુ કોઈ અન્ય ટીમ તરફથી રમતા વિજય મેળવ્યો હતો.

સૌથી પહેલા રોહિત શર્માને IPL ટ્રોફીને સ્પર્શવાની તક 2009માં મળી હતી. ડેક્કન ચાર્જર્સની ટીમ (જે હાલ ટૂર્નામેન્ટ નથી રમતી) તરફથી રમતા રોહિતે ટૂર્નામેન્ટમાં હેટ્રિક લેવાની કમાલ પણ કરી બતાવી હતી. જોગાનુજોગ આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ જ આવી હતી. જ્યારે ફાઈનલ મેચમાં ડેક્કન ચાર્જર્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમને 6 રને પરાજિત કરી હતી.

વર્ષ 2013માં મુંબઈએ રોહિતની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ વખત ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ જીત બાદ દિગ્ગજ સચિન તેંડુલકરે IPLથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. વર્ષ 2015, 2017, 2019 અને હવે 2020માં ટીમે આ ખિતાબ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે. 5 વખત ટૂર્નામેન્ટ જીતનારી મુંબઈની ટીમ એકમાત્ર બની ગઈ છે.

(4:29 pm IST)