Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેના ડે-નાઈટ ટેસ્ટમાં ૫૦% પ્રેક્ષકો મેચ નિહાળશે

૨૭ હજાર દર્શકોને પ્રવેશ અપાશે : ઓસ્ટ્રેલિયન બોર્ડની જાહેરાત

મેલબોર્ન : આઈપીએલની પૂર્ણાહૂતિ થઈ છે ત્યારે સૌનું ધ્યાન હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આગામી સીરીઝ પર રહેશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ થોડા દિવસમાં જ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. જયાં ૨૭મી નવેમ્બરથી વન-ડે સીરીઝનો પ્રારંભ થશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરીઝ ૧૭મી ડિસેમ્બરથી શરૂ થનારી છે.

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આમ તો એક ટેસ્ટ રમીને પરત આવી જવાનો છે કેમ કે તેની અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા સંતાનને જન્મ આપવાની છે ત્યારે તે પત્નિની સાથે રહેવા માગે છે. આમ બીજી ટેસ્ટથી ભારતીય ટીમ કોહલી વિના જ રમવાની છે.

જો કે કોહલી જે ટેસ્ટ રમવાનો છે તે એડીલેડ ખાતેની ટેસ્ટ ઐતિહાસિક બની રહેશે. આ મેચ ડે-નાઈટ રહેશે. આમ ભારત અને ઓસ્ટ્રેલિયા પહેલી વાર ફલડ લાઈટ હેઠળ ટેસ્ટ ક્રિકેટમાં રમશે. આ ઉપરાંત આ મેચમાં ૫૦ ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. કોરોના કાળ બાદ પ્રેક્ષકો સાથે કોઈ ટેસ્ટ રમાય તેવો આ પ્રથમ પ્રસંગ હશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોડે જાહેરાત કરી હતી કે મેચમાં ૨૭૦૦૦ પ્રેક્ષકોને પ્રવેશવા દેવામાં આવશે જે કુલ ક્ષમતાના ૫૦ ટકા થાય છે. કોરોના કાળ બાદ ક્રિકેટ મેચો બાયો બબલમાં બંધ સ્ટેડિયમમાં રમાડવામાં આવે છે.

(3:04 pm IST)