Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વિન્ડીઝની પ્રથમ ઈનિંગ્સમાં સરસાઈ : ઈંગ્લેન્ડની લડત

ઈંગ્લેન્ડ -વેસ્ટઈન્ડિઝ પ્રથમ ટેસ્ટઃ ચોથો દિવસ : વેસ્ટઈન્ડિઝની ૧૧૪ રનની સરસાઈ બાદ ઈંગ્લેન્ડના ઓપનર્સની મજબૂત વળતી લડત, ઈંગ્લેન્ડ ૮૨ રનથી આગળ

સાઉથમ્પટન, તા. ૧૧ : ઓપનર્સ ડોમ સિબલેની શાનાદાર અડધી સદી અને આર.બર્નસના આકર્ષક ૪૨ રનની મદદથી ઈંગ્લેન્ડે વેસ્ટઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમતમાં સરસાઈ છતાં મજબૂત લડત આપી હતી. યજમાન ટીમે લખાય છે ત્યાં સુધીમાં ૭૬ ઓવરમાં વિકેટ ૧૯૬ રન બનાવી લીધા હતા. સાથે તેણે ૮૨ રનની સરસાઈ મેળવી લીધી હતી.

           પ્રથમ ઈનિંગ્સમાં માત્ર ૨૦૪ રન બનાવી શકેલી ઈંગ્લેન્ડની ટીમના બેટસમેન્સે બીજી ઈનિંગ્સમાં સારી શરૂઆત કરી છે. જ્યારે પ્રવાસી ટીમે યજમાન ટીમ સામે પ્રથમ ઈનિંગ્સમાં વેધક બોલિંગ સાથે ટીમનો જુમલો મર્યાદિત રાખ્યા બાદ તેના પ્રથમ દાવમાં ૩૧૮ રન બનાવ્યા હતા. આમ તેણે પ્રથમ ઈનિગ્સની ૧૧૪ રનની મજબૂત કહી શકાય એવી સરસાઈ મેળવી હતી. ૧૧૬ દિવસ બાદ શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પહેલી મેચ છે. મેચના પહેલા બે દિવસ દરમિયાન વરસાદનું વિઘ્ન નડ્યું હોવા છતાં મેચ હાલમા તહક્કે રસપ્રદ તબક્કામાં છે. વેસ્ટઈન્ડિઝની પ્રથમ ઈનિંગ્સ ત્રીજા દિવસની રમત પૂરી થવાના થોડા સમય પહેલાં સમેટાઈ હતી. પછી યજમાન ટીમે વિના વિકેટે ૧૫ રન બનાવી લીધા હતા.

           એક સમયે સરસાઈના દબાણ હેઠળ ઊતરેલા ઈંગ્લેન્ડના ઓપનર્સે શાનદાર ધૈર્ય સાથે બેટિંગ કરતા ટીન માટે જોરદાર વળતી લડત આપીને પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૭૨ રન ઉમેર્યા હતા. જોકે ભાગીદારી વધુ મજબૂત બને અને વિન્ડીઝે આપેલી પ્રથમ ઈનિંગ્સની સરસાઈને ઊતારે પહેલાં ચેસે રોરી બર્ન્સને કેમ્પબેલના હાથમાં ઝિલાવીને વિન્ડીઝની ટીમને બીજી ઈનિંગ્સમાં પ્રથમ સફળતા અપાવી હતી. સિબ્લેએ ૧૬૪ બોલનો સામનો કરતા તેની અડધી સદી પૂરી કરી સાથે તે ગેબ્રિયલના બોલે ડાવરિચના હાથમાં ઝિલાઈ ગયો હતો અને સમયે યજમાન ટીમને પ્રથમ દાવની સરસાઈને પાર કરવા માત્ર એક રનની જરૂર હતી.

          આ પછી જે. ડેન્લે અને ઝેડ ક્રોવલેએ કમાન સંભાળી હતી અને ટીમના જુમલાને મક્કમતા પૂર્વક આગળ વધાર્યો હતો. જોકે આવતી કાલે રમતનો છેલ્લો દિવસ છે ત્યારે મેચ બચાવવા ઈંગ્લેન્ડે ઓછામાં ઓછા ૨૦૦ રનનો પડકાર વેસ્ટઈન્ડિઝની ટીમને આપવો પડે એમ છે.

(9:50 pm IST)