Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વિમ્બલ્ડનમાં સેરેના અને હાલેપની સેમી ફાઈનલમાં એન્ટ્રી

લંડન : બે ભૂતપૂર્વ નંબર-૧ મહિલા ટેનિસ ખેલાડીઓ અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપે મંગળવારે વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિલિયમ્સને પોતાના દેશની એલિસન રિસ્કેનો પડકાર મળ્યો હતો, જયારે હાલેપે ચીનની શુઈ ઝાંગને થોડી મુશ્કેલી બાદ હરાવી દીધી હતી.

સેરેના વિલિયમ્સે વર્ષની ત્રીજી ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ૨ કલાક ૧ મિનિટ સુધી ચાલેલી મેચમાં રિસ્કેને ૬-૪, ૪-૬, ૬-૩થી પરાજય આપ્યો હતો. રિસ્કેએ સારી શરૂઆત કરી અને પ્રથમ સેટમાં શરૂઆતી લીડ મેળવી લીધી હતી, પરંતુ સેરેનાએ આ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં રિસ્કેએ વિજય મેળવ્યો અને મુકાબલો ત્રીજા સેટ સુધી પહોંચ્યો હતો, જયાં ભૂતપૂર્વ વિજેતાએ જીત હાંસિલ કરી હતી.

સેમી ફાઇનલમાં સેરેનાની સામે ચેક ગણરાજયની બારબોરા સ્ટ્રાયકોવા હશે જેણે એક અન્ય કવોર્ટર ફાઇનલમાં બ્રિટનની યોહાના કોન્ટાને ૭-૬ (૭-૫)થી પરાજય આપ્યો હતો. બીજી તરફ ચીનની ઝાંગ, હાલેપને પ્રથમ સેટમાં સારી ટક્કર આપવામાં સફળ રહી, પરંતુ બીજા સેટમાં રોમાનિયાઈ ખેલાડી ભારે પડી હતી.

હાલેપે આ મેચ ૭-૬ (૭-૪), ૬-૧થી પોતાના નામે કરી હતી.

એલિના સ્વિતોલિના બીજી સેમી ફાઇનલમાં હાલેપની સામે હશે. સ્વિતોલિનાએ અન્ય એક કવોર્ટર ફાઇનલમાં ચેક ગણરાજયની કૌરોલિના મુચોવાને હરાવી હતી. સ્વિતોલિનાએ મુચોવાને ૭-૫, ૬-૪થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

(3:27 pm IST)