Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

આજથી યુરો ૨૦૨૦ કપઃ આ વખતે ૨૪ ટીમોઃ વિજેતાને ૮૮ કરોડ

આજે મધરાતે ૧૨:૩૦ વાગ્યાથી પ્રથમ મુકાબલોઃ સેમીફાઇનલ-ફાઇનલ લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં રમાશે

નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડ કપ બાદ વિશ્વની સૌથી વધુ લોકો નિહાળતા અને લોકપ્રિય ફૂટબોલ યૂરો કપ ૨૦૨૦નો ૧૧મી જૂનથી (૧૨મીએ વહેલી સવારે ૧૨:૩૦ વાગ્યે) પ્રારંભ થઇ રહ્યો છે. ટાઇટલ મુકાબલો ૧૧મી જુલાઇ રમાશે. ઓલિમ્પિકની જેમ પ્રત્યેક ચાર વર્ષે રમાતી આ ટૂર્નામેન્ટ ગયા વર્ષે યોજાવાની હતી, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. ૨૪ ટીમોમાં પોર્ટુગલ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ૨૦૧૬માં તેણે યજમાન ફ્રાન્સને ૧-૦ થી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. યૂરો કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ જર્મની અને સ્પેન છે. આ બંને ટીમે ત્રણ-ત્રણ વખત યૂરો કપ જીત્યો છે. યૂરો કપની ૧૬મી સિઝનમાં અત્યાર સુધી કુલ ૧૦ ટીમો ચેમ્પિયન બની છે. સ્પેનની ટીમ એકમાત્ર એવી છે જેણે સતત બે વખત ટાઇટલ જીત્યું હતું. સ્પેને ૨૦૦૮ અને ૨૦૧૨માં યૂરો કપ જીતીને ફૂટબોલ જગતમાં પોતાનો દબદબો મેળવ્યો હતો.

યૂરો કપના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૧ દેશ સંયુકત રીતે આ વખતે ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે. તમામ ૨૪ ટીમોને ૪-૪ના છ ગ્રૂપમાં સ્થાન અપાયું છે. પ્રત્યેક ગ્રૂપની ટોપ-૨ ટીમ પ્રી-કવાર્ટર ફાઇનલ માટે કવોલિફાય થશે અને તમામ ગ્રૂપની ત્રીજા ક્રમે રહેલી ટોપ-૪ ટીમ રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ કરશે. સેમિફાઇનલ અને ફાઇનલ લંડનના વેમ્બ્લી સ્ટેડિયમ ખાતે રમાશે.

 યુઇએફએની એકિઝક્યુટિવ સમિતિની બેઠકમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને મેચમાં ત્રણના બદલે પાંચ સબસ્ટિટયૂટ આપવાનો નવો નિયમ અમલમાં મૂક્યો છે. આ કારણથી ખેલાડીઓ ઉપરનું દબાણ હળવું થશે. આ સાથે એકસ્ટ્રા ટાઇમમાં એટલે કે ફૂલ ૯૦ મિનિટના સમય બાદ છઠ્ઠા સબસ્ટિટયૂટનો ઉપયોગ કરી શકાશે. જોકે ટીમોે ફુલટાઇમ સુધી સબસ્ટિટયૂશનમાં માત્ર ત્રણ ખેલાડી મળશે. ચોથો ખેલાડી એકસ્ટ્રા ટાઇમમાં મળશે. ટીમોને ૨૬ ખેલાડીઓની જ મંજૂરી આપવામાં આવી છે. જોકે કોચ મેચ પ્લેયર્સ શીટમાં ૨૩ ખેલાડીઓનો જ ઉલ્લેખ કરશે.

 જો કોઇ ટીમના કેટલાક ખેલાડીઓને ઇમરજન્સીમાં કવોરન્ટાઇન કરવામાં આવશે અને ત્યારબાદ ટીમ પાસે ૧૩ ખેલાડીઓ હાજર હશે તો મેચ રમાશે અને તેને રદ કરવામાં આવશે નહીં.

 યુઇએફએના અનુસાર ૧૯૬૦માં પ્રથમ ફાઇનલ જીત્યા બાદ સોવિયેત યુનિયનના તમામ ૧૭ ખેલાડીઓને ૨૦૦ ડોલર એટલે કે કુલ ૩૪૦૦ ડોલરની પ્રાઇઝ મની આપવામાં આવી હતી. આ રકમ લગભગ ૨.૫ લાખ રૂપિયા જેટલી હતી. લોકપ્રિયતા વધવાની સાથે ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મની પણ વધારવામાં આવી છે. યૂરો ૨૦૨૦માં ચેમ્પિયન બનનાર ટીમને ૩૩૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ આપવામાં આવશે. ૧૯૬૦ની સરખામણીમાં આ ૧૩૦૦ ગણી વધારે રકમ છે. આ વખતે વિજેતા ટીમને ૮૮ કરોડ રૂપિયા મળશે. 

(3:20 pm IST)