Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ક્રિસ ગેલે પણ ધોની જેવા ગ્લવ્સ પહેરવાની માંગણી કરી હતી : આઈસીસી

નવીદિલ્હી,તા.૧૧ : મહેન્દ્ર સિંહ ધોનીને બલિદાન બૅજ ચિહ્ન વાળાં ગ્લવ્સ પહેરવાની મંજૂરી ન આપ્યા બાદ આઈસીસીએ આવા જ અન્ય એક મામલાનો ખુલાસો કર્યો છે. આ મામલો વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને યૂનિવર્સલ બૉસ ક્રિસ ગેલ સાથે જોડાયેલ છે. આઈસીસીએ જણાવ્યું કે વર્લ્ડ કપમાં ક્રિસ ગેલ પણ ધોનીની જેમ જ પોતાના ગ્લવ્સ પર લોગો લગાવીને રમવા માંગતો હતો.

ધોનીએ ગ્લવ્સ પર બલિદાન બૅજ લગાવ્યું હતું જ્યારે ક્રિસ ગેલ પોતાના બેટિંગ ગ્લવ્સ પર યૂનિવર્સલ બૉસનો લગાવીને રમવા માંગતો હતો. પરંતુ આઈસીસીએ ગેલની આ માંગણી પણ તુરંત ફગાવી દીધી હતી. આઈસીસીના એક સૂત્રએ આ વિશે સમાચાર એજન્સી એએનઆઈને જાણકારી આપતા જણાવ્યું કે, ધોનીની જેમ જ ગેલની માંગણી પણ નકારી કાઢવામાં આવી હતી. ગેલે લગભગ ૪૫ દિવસ પહેલા યૂનિવર્સલ બૉસ લોગોનો ઉપયોગ કરવા મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો. એટલું જ નહિ, આઈસીસીના સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ બીસીસીઆઈ અને ધોની આઈસીસી સામે  એમ સાબિત કરવામાં નાકામ રહ્યા કે બલિદાન બૅજ કોઈ રાજનૈતિક, ધાર્મિક કે જાતિય મુદ્દા સાથે જોડાયેલ નથી. આ વિશે જણાવતા આઈસીસીના સૂત્રએ કહ્યું કે જો બીસીસીઆઈ અને ધોની એમ સાબિત કરવામાં સફળ થયા હોત કે આ નિશાન ઉપરોક્તમાં થઈ કોઈ સાથે સંબંધિત નથી તો અમે બીસીસીઆઈની માંગણી સ્વીકારી શકતા હતા.

(3:32 pm IST)