Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૬૪ ગોલ ફટકારીને મેસીની બરોબરી કરી સુનિલ છેત્રીએ

નવી દિલ્હી:ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ઈન્ટરકોન્ટીનેન્ટલ કપની ફાઈનલમાં કેન્યા સામે બે ગોલ ફટકારવાની સાથે ટીમને ચેમ્પિયન બનાવી હતી, તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૬૪ ગોલ પુરા કરીને આર્જેન્ટીનાના સુપરસ્ટાર ફૂટબોલર લાયોનેલ મેસીની બરોબરી કરી લીધી છે. હાલ એક્ટિવ હોય અને સૌથી વધુ ગોલ ફટકાર્યા હોય તેવા ફૂટબોલરોની યાદીમાં ભારતના છેત્રીએ મેસીની બરોબરી મેળવી લીધી છે. જ્યારે આ યાદીમાં પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ૮૧ ગોલની સાથે ટોચ પર છે.

જોકે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં છેત્રી અને મેસી સંયુક્તપણે  ૨૧માં સ્થાને છે. મુંબઈમાં રમાયેલી ઈન્ટરકોન્ટીનેન્ટલ કપની ફાઈનલમાં ભારતે ૨-૦થી કેન્યાને પરાસ્ત કર્યું હતુ. ભારત તરફથી બંને ગોલ સુનિલ છેત્રીએ નોંધાવ્યા હતા.તેણે મેચની આઠમી મિનિટે ગોલ ફટકારીને ભારતને સરસાઈ અપાવી હતી. જે પછી મેચની ૨૯મી મિનિટે બીજો ગોલ ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી અને કારકિર્દીના ૬૪મા આંતરરાષ્ટ્રીય ગોલની સાથે મેસીના રેકોર્ડની બરોબરી કરી હતી.૩૩ વર્ષીય સુનિલ છેત્રીએ કારકિર્દીની ૧૦૨મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓલ ટાઈમ હાઈએસ્ટ ગોલ સ્કોરરની યાદીમાં છેત્રી અને મેસી ૬૪-૬૪ ગોલ સાથે ૨૧માં ક્રમે છે. મેસીએ ૧૨૪ મેચમાં ૬૪ ગોલ કર્યા છે.

(5:30 pm IST)