Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

IPLની બાકીની મેચોમાં ઈંગ્લેન્ડના ખેલાડી નહીં રમે

ભારતીય બોર્ડ બાકીની મેચો માટે વિન્ડોની શોધમાં : BCCIના ઈરાદા ઉપર ઈસીબીએ પાણી ફેરવી શકે છે

લંડન, તા. ૧૧ :  આઈપીએલ અધવચ્ચે સ્થગિત થયા બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની બાકી મેચોનું આયોજન કરવા માટે નવી વિન્ડો શોધી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર વચ્ચે તેનું આયોજન થઈ શકે છે. પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) આ સમયે બીસીસીઆઈના ઈરાદા પર પાણી ફેરવી રહ્યું હોય તેમ લાગી શકે છે. ઈસીબીએ સ્પષ્ટ કર્યું કે, આઈપીએલ ૨૦૨૧ની બાકી મેચોમાં ઈંગ્લિશ ખેલાડી રમશે નહીં.

આઈપીએલમાં આ વખતે માત્ર ૨૯ મેચ રમાઈ હતી. બીસીસીઆઈનો પ્રયાસ છે કે બાકી મેચોનું આયોજન યૂએઈમાં કરાવવામાં આવે. તો ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે બ્રિટિશ મીડિયાને કહ્યુ, અમે ઈંગ્લેન્ડની મેચોમાં આપણા ખેલાડીઓને સામેલ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. અમને એક પૂર્ણ એફટીપી (ભવિષ્યની યોજના) શેડ્યૂલ મળ્યું છે. તેથી અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રવાસ (સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં) નક્કી કાર્યક્રમ પ્રમાણે આગળ વધ્યા તો મને આશા છે કે અમારા બધા ખેલાડીઓ ત્યાં હશે. ટીમ ઈન્ડિયાએ હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા ઈંગ્લેન્ડ જવાનું છે. ત્યારબાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. આ વચ્ચે જુલાઈમાં બીસીસીઆઈએ શ્રીલંકાનો પ્રવાસ પણ નક્કી કર્યો છે. ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબરની વિન્ડોમાં ઈંગ્લેન્ડની ટીમ સીમિત ઓવરોની સિરીઝ માટે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના પ્રવાસે જવાની છે.

ત્યારબાદ ટી૨૦ વિશ્વકપ રમાવાનો છે, જેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે અને ત્યારબાદ ૮ ડિસેમ્બરથી શરૂ થનાર એશિઝ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.

તેવામાં ઈંગ્લિશ ખેલાડીઓ પાસે આઈપીએલમાં રમવાની કોઈ તક બચી નથી અને જાઇલ્સ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ઈંગ્લેન્ડની ટીમ આ બધા સિરીઝમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમશે.

(9:15 pm IST)