Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકામાં: ૧૩ જુલાઇથી ૩ વન-ડે અને ૩ ટી૨૦ ક્રિકેટ મેચ રમશેઃ સત્તાવાર પ્રવાસની જાહેરાત

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા ટોચના ખેલાડીઓ વિના જુલાઈમાં વન-ડે અને ટી-20 સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડી પ્રવાસનો ભાગ નહીં હોય. કેમ કે તે સમયે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યા હશે.

ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ:

ESPN ક્રિન્કઈન્ફોના જણાવ્યા પ્રમાણે પ્રવાસની શરૂઆત 13 જુલાઈએ થશે.

પહેલી વન-ડે મેચ - 13 જુલાઈ

બીજી વન-ડે મેચ - 16 જુલાઈ

ત્રીજી વન-ડે મેચ - 19 જુલાઈ

શ્રીલંકા પ્રવાસમાં 3 ટી-20 મેચ પણ રમાવાની છે.

પહેલી T-20 મેચ - 22 જુલાઈ

બીજી T-20 મેચ - 24 જુલાઈ

ત્રીજી T-20 મેચ - 27 જુલાઈ

પહેલાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે અમે જુલાઈના મહિનામાં સિનિયર પુરુષ ટીમ માટે નાના ફોર્મેટની સિરીઝની યોજના બનાવી છે. જ્યાં શ્રીલંકામાં ટી-20 ઈન્ટરનેશનલ અને વન-ડે મેચ રમાશે. સફેદ બોલના વિશેષજ્ઞોની ટીમ હશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમથી અલગ હશે.

ગાંગુલીએ કહ્યું કે જુલાઈ મહિનામાં ભારતીય ટીમના ટોચના ખેલાડીઓ ઈંગ્લેન્ડથી આવી શકશે નહીં. કેમ કે ત્યાં ક્વોરન્ટાઈન નિયમ ઘણો આકરો છે. શ્રીલંકા જનારી ટીમમાં તે ખેલાડીઓને તક મળી શકે છે. જે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતા આવ્યા છે. તેમાં દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ અને હર્ષલ પટેલ જેવા ખેલાડીનો સમાવેશ થઈ શકે છે.

ધવન કે અય્યર બની શકે છે કેપ્ટન:

પહેલી તક હશે જ્યારે ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના T-20 અને વન-ડે મેચની કોઈ સિરીઝ રમશે. જો કોઈ સિરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી હોય તો તેમાં રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળી. પરંતુ શ્રીલંકા પ્રવાસમાં બંને ખેલાડી નહીં હોય. તેવામાં શ્રેયસ અય્યર કે શિખર ધવનને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી શકે છે.

(4:12 pm IST)