Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કરપ્શનને કારણે આઇસીસીએ ઝોયસા અને ગુણાવર્દનેને કર્યા સસ્પેન્ડ

દુબઈ : શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરો નુવાન ઝોયસા અને અવિષ્કા ગુણાવર્દનેને ગયા વર્ષે ડિસેમ્બરમાં યુએઈમાં રમાયેલી ટી-૧૦ લીગમાં કરપ્શન કરવા બદલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સસ્પેન્ડ કર્યા હતા. ઝોયસા કરપ્શનના જૂના આરોપસર પહેલેથી સસ્પેન્શન હેઠળ છે. બન્નેને પોતાની દલીલ રજૂ કરવા ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

એમિરેટ્સ ક્રિકેટ ર્બોડ (ઈસીબી) વતી વિશ્વની સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા આઇસીસીએ ઝોયસા પર ૪ અને ગુણાવર્દને પર બે કલમનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા, પણ એ દરેક બનાવનો ઉલ્લેખ નથી કર્યો.

શ્રીલંકાના ભૂતપૂર્વ બોલિંગ-કોચ ઝોયસાએ આઇસીસીની કલમ ૨.૧.૧, કલમ ૨.૧.૪, કલમ ૨.૧.૬ અને કલમ ૨.૪.૫નો ભંગ કર્યો હતો. આ કલમનો અર્થ થાય છે કે જો કોઈ ખેલાડી, કોચ અથવા ટીમનો કોઈ પણ મેમ્બર સીધી અથવા આડી રીતે મેચના પરિણામ પર અસર પાડે અથવા કોઈ ખેલાડીને અસર પાડવા માટે પ્રેરિત કરે તો ઉપરની કલમ હેઠળ તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. અવિષ્કા ગુણાવર્દનેને ૨.૧.૪ અને ૨.૪.૫ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

(2:43 pm IST)