Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મેડ્રિડ ઓપન:શાપોવાલોવે રાઓનીકને ૬-૪, ૬-૪થી હરાવ્યો

નવી દિલ્હી: બ્રિટનના ટોચના ટેનિસ ખેલાડી કાયલ એડમંડે મેડ્રીડ ઓપનમાં અપસેટનો સિલસિલો જારી રાખતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. બીજા રાઉન્ડમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને હરાવનારા એડમંડે આઠમો સીડ ધરાવતા બેલ્જીયમના ડેવિડ ગોફિન સામે સીધા સેટોમાં ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. હવે ૨૩ વર્ષીય એડમંડનો મુકાબલો શાપોવાલોવ સામે થશે. શાપોવાલોવે ઓલ કેનેડીયન મેચમાં રાઓનીકને ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો. યોકોવિચ સામેની જીત સાથે એડમંડે વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-૨૦માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સ્પેનમાં ચાલી રહેલી ક્લે કોર્ટ ટેનિસ ચેમ્પિયનશીપમાં જર્મનીના બીજો સીડ ધરાવતા એલેક્ઝાન્ડર ઝ્વેરેવે વિજયી પ્રારંભ કર્યો હતો. તેણે તેના પ્રથમ મુકાબલામાં રશિયાના ડોન્સ્કોયને સીધા સેટોમાં ૬-૨, ૭-૫થી પરાસ્ત કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રીયાના યુવા ખેલાડી ડોમિનીક થિએમે રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. તેણે આર્જેન્ટીના ડેલ્બોનિસને ૪-૬, ૬-૩, ૭-૫ના સંઘર્ષ બાદ પરાજય આપ્યો હતો. અગાઉ ગઈકાલે મોડી રાત્રે સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ક્લે કોર્ટ પર જીતનો સિલસિલો જારી રાખતાં મેડ્રીડ ઓપનમાં આગેકૂચ કરી હતી. નડાલે સીધા સેટોમાં ફ્રાન્સના મોન્ફિલ્સને હરાવ્યો હતો. આ સાથે ક્લે કોર્ટ પર તેણે સળંગ ૪૮ સેટ જીતવાનો અનોખો કિર્તિમાન નોંધાવ્યો હતો. હવે તે આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાન સામે ટકરાશે. નડાલ છેલ્લા બે સપ્તાહમાં મોન્ટે કાર્લો અને બાર્સેલોના ઓપન ૧૧-૧૧ વખત જીતી ચૂક્યો છે. હવે તેને અહી ચેમ્પિયન બનવાની આશા છે.  ઉરૃગ્વેના પાબ્લો ક્યુવાસે સ્પેનના રોમોસ-વિનોલાસને ૬-૧, ૬-૭ (૨-૭), ૬-૨થી હરાવ્યો હતો. જ્યારે જર્મનીના કોલ્સચેઈબેરે સ્પેનના બૌતીસ્તા એગ્યુટને હરાવ્યો હતો.
 

(4:43 pm IST)