Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

એશિયા કપ ભારતમાં નહીં પણ હવે યુએઈમાં રમાશે

નવી દિલ્હી: વન ડે ક્રિકેટની એશિયા કપ આગામી ૧૩થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન ભારતમાં રમાવાની હતી પણ હવે તે યુએઈમાં રમાશે. એશિયા ક્રિકેટ કાઉન્સીલની આજે મળેલી બેઠકમાં ભારતીય ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ભારતમાં આવે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો ઉષ્માભર્યા નહીં હોઇ કેન્દ્ર સરકારે વર્તમાન સંજોગોમાં ભારતીય ક્રિકેટ બોર્ડને પરવાનગી ના જ આપે. કેન્દ્ર સરકારે તટસ્થ દેશમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થાય તે માટે મંજૂરી આપી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિએ મીટિંગમાં એમ પણ જણાવ્યું હતું કે જો ટુર્નામેન્ટ આઇસીસીની યોજેલ હોય એટલે કે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી હોય અને ભારત તેનું યજમાન હોય તો પાકિસ્તાન ભારતમાં કદાચ રમી શકે પણ એશિયા કપ એશિયન ક્રિકેટ કાઉન્સીલના નેજા હેઠળ રમાય છે જેમાં આવી સમજૂતિ નથી. જો કે આગામી એશિયા કપ સંપન્ન કરવાની તક ભારતીય ક્રિકેટ બોર્ડની પાસે જ રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ યુએઈના દુબઈ અને અબુ ધાબી સ્ટેડિયમને મેચ માટેની ભાડાની રકમ આપી દેશે અને ટિકીટની તેમજ સ્ટેડિયમની જાહેરાતોની આવક ભારતીય ક્રિકેટ બોર્ડની જ રહેશે. યુએઈ તેમજ એશિયા કપમાં ભાગ લેતા દેશોની સંમતી સાથે આ નિર્ણયને આવકાર મળ્યો છે. ભારત કરતા એશિયા કપ યુએઈમાં રમાય તેને વધુ સફળતા મળશે કેમ કે યુએઈમાં ભારતીયો, પાકિસ્તાનીઓ, શ્રીલંકન, બાંગ્લાદેશી અને અફઘાનીઓ તમામ વસે છે. પાકિસ્તાન-શ્રીલંકા કે બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચેની મેચોમાં પણ સ્ટેડિયમ ભરચક રહેશે, જે ભારતમાં શક્ય ના બન્યું હોત. ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડથી પરત આવશે તે દરમ્યાન એશિયા કપ શરૃ થઇ જશે અને ભારત બીજા અઠવાડિયામાં  ટુર્નામેન્ટમાં જોડાશે

(5:27 pm IST)