Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ઉત્તરાખંડ ટીમના હેડ કોચપદેથી રાજીનામુ આપનાર ટીમ ઇન્‍ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફર મુસ્‍લિમ ખેલાડીઓની તરફેણ કરતા હોવાનો આક્ષેપ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પોતાના પર મુસ્લિમ તરફી હોવાના આરોપનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઉત્તરાખંડ ટીમના હેડ કોચપદેથી બે દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. પછી તેના પર ટીમના મુસ્લિમ ખેલાડીઓની તરફેણ કરવાનો આરોપ લાગ્યો હતો.

આરોપોને રદિયો આપતા વાસીમ જાફરે કહ્યું કે ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના સચિવ માહિમ વર્માના આરોપોથી તેમને દુઃખ થયું છે. તેમના પક્ષપાતી વલણ અને પસંદગીકારોની ટીમની પસંદગીમાં દખલને કારણે તેણે રાજીનામુ આપ્યું છે.

પ્રેક્ટિસ સેસન્સ દરમિયાન મૌલવીઓને બાલાવવાનો આરોપ

જાફરના રાજીનામા બાદ તેના પર ટીમમાં મુસ્લિમ ખેલાડીઓની તરફેણ કરવા અને પ્રેક્ટિસ વખતે મૌલવીઓને બાલાવવાનો આરોપ લાગ્યો. જેને પગલે વાસીમ જાફરે વર્ચ્યુઅલ કોન્ફ્રન્સ કરી પોતાના પર લાગેલા આરોપો ફગાવી દીધા અને જણાવ્યું કે, “મારા પર કોમ્યુનલ એંગલ લગાવ્યું તે બહુ દુઃખદ છે. તેમણે મારા પર આરોપ મૂક્યો છે કે હું ઇકબાલ અબ્દુલ્લાનું સમર્થન કરું છું અને તેને ઉત્તરાખંડ ટીમનો કેપ્ટન બનાવવા માંગુ છું. જે સદંતર ખોટુ છે.

પ્રેકિટસ સેસન્સમાં પણ મૌલવીઓની હાજરી અંગે જાફરે જણાવ્યું કે

દહેરાદૂન શિબિર દરમિયાન બે કે ત્રણ શુક્રવારે જે પણ મૌલવી કે મૌલાના આવ્યા હતા. તેમણે મેં બોલાવ્યા નહતા. ખરેખર ઇકબાલ અબ્દુલ્લાએ જુમાની નમાજ પઢવા માટે મારી અને ટીમ મેનેજરની પરવાનગી માંગી હતી . તેણે કહ્યું હતું કે અમે રોજ રુમમાં નમાજ પઢીએ છીએ શુક્રવારે જુમાની નમાજ બધા ભેગા થઇને અદા કરીએ તો સારું રહેશે. ત્યાર બાદ અમે નેટ પ્રેક્ટિસ બાદ ડ્રેસિંગ રુમમાં નમા પઢી હતી.

હું નમાજના સમયના હિસાબે પ્રેક્ટિસનો સમય બદલી શક્યો હોત પરંતુ મેં આવું કર્યું નહીં. છતાં સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવાયો છે. મને કંઇ સમજાતુ નથીં.

જાફરના રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન

વાસીમ જાફરે રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન ફટકાર્યા છે. તેણે ટીમ ઇન્ડિયા વતી 31 ટેસ્ટ મેચ પણ રમી છે. ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ જાફરને ઉત્તરાખંડ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયો હતો. પરંતુ પસંદગીકારોના ટીમની પસંદગીમાં હસ્તક્ષેપ અને ક્રિકેટ ઓસોસિએશનના મંત્રી માહિમ વર્માને કારણે તેણે કોચપદેથી મંગળવારે રાજીનામુ આપી દીધુ હતું.

ક્રિકેટ એસોસિએશન ઉત્તરાખંડ (CAU)નો મોકલેલા ઇ-મેઇલમાં જણાવ્યું કેહું ખેલાડીઓ માટે ખરેખર દુઃખી છું. કારણ કે મને લાગે છે કે તેમનામાં ઘણી સંભાવના છે અને તેઓ મારી પાસે ઘણું શીખી શકે છે. પરંતુ અયોગ્ય ખેલાડીઓની પસંદગી માટે પસંદગીકારો અને સચિવના હસ્તક્ષેપ તેમજ પૂર્વાગ્રહને કારણે તેઓ તકથી વંચિત છે.

જાફરે 31 ટેસ્ટ અને 2 વનડેમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 256 ફર્સ્ટ કલાસ મેચોમાં 50.95ની સરેરાશથી 19211 રન કર્યા છે.

(5:01 pm IST)