Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

જીત્યા બાદ બાંગ્લાદેશનું રીએકશન ડર્ટી હતું : ગર્ગ

આ ઘટનાની આઈસીસીએ ગંભીર નોંધ લીધીઃ ભારતના અન્ડર-૧૯ ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું હાર - જીત રમતનો ભાગ છે, આવું ન થયું હોત તો સારૂ હોત

 

પોટચેફ્ટ્સરૂમ :  ભારત અને બંગલા દેશ વચ્ચે રમાવેલી અન્ડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બંગલા દેશે ત્રણ વિકેટે ડકવર્થ લુઇસ મેથડ વડે જીતી લીધી હતી. ઇતિહાસમાં પહેલી વાર આ ટાઇટલ પોતાના નામે કરવામાં સફળ થયેલી બંગલા દેશની ટીમ મેચ જીતી જતાં જશ્ન કરવા મેદાનમાં દોડી આવી હતી ત્યારે ભારતીય પ્લેયરો સાથે ગેરવર્તણુક કરી હતી. આ વિશે ટીકા કરતાં પ્રિયમ ગર્ગે કહ્યું કે અમે માનીએ છીએ કે હાર-જીત રમતનો એક ભાગ છે. જોકે તેમનું રીએકશન બહુ ડર્ટી હતું. એવું ન થયું હોત તો સારું હતું.

ગર્ગની આ ટિપ્પણી બાદ બંગલા દેશના કેપ્ટન અકબર અલીએ આગળ આવીને ટીમ વતી માફી માગી હતી. અકબરે કહ્યું હતું કે ગ્રાઉન્ડ પર જે થયું એ નહોતું થવું જોઈતું. વાસ્તવમાં શું થયું છે એની મને નથી ખબર. મેં એ વિશે પૂછ્યું નથી છતાં તમે જાણો છો કે એ ફાઇનલ મેચ છે અને લોકોનાં ઇમોશન્સ બહાર આવી જાય છે. યંગસ્ટર્સ તરીકે આવું ન થવું જોઈએ. કોઈ પણ સત્ત્।ા પર કોઈ પણ રીતે આપણે સામેની ટીમ પ્રત્યે આદર દેખાડવો જોઈએ. અમને ગેમ પ્રત્યે માન છે, કેમ કે ક્રિકેટ જેન્ટલમેનની ગેમ છે. મારી ટીમ વતી હું માફો માગું છું.

જોકે આ માફી માગ્યા બાદ બંગલા દેશ ટીમના પ્લેયરો ભારતીય પ્લેયરો સાથે જાણી જોઈને અથડાયા હતા અને પછીથી તેમની વચ્ચે ગાળાગાળી પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન પ્લેયરોનો આ ઘટનામાં કશે પણ વાંક નહોતો. મેચ દરમ્યાન પણ બંગલાદેશી પ્લેયરો આક્રમકતા બતાવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ ઝપાઝપીમાં બંગલા દેશના ઝંડાને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. આઇસીસી આ સમગ્ર મુદ્દાનું અવલોકન કરી રહ્યું છે.

(11:43 am IST)