Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પ્રીમિયર લીગમાં લિવરપૂલે બોર્નમાઉથને ૩-૦થી પરાજય આપ્યો

નવી દિલ્હી: લિવરપૂલે બોર્નમાઉથને ૩-૦થી પરાજય આપી પ્રીમિયર લીગમાં ફરી ટોચનું સ્થાન મેળવી લીધું છે. લિવરપૂલના ૨૬ મેચ બાદ ૬૫ પોઇન્ટ થઈ ગયા છે જ્યારે માન્ચેસ્ટર સિટી ૬૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. લિવરપૂલ તરફથી સાદિયો માનેએ ૨૪મી મિનિટે ગોલ કરી ટીમને ૧-૦ની લીડ અપાવી હતી જ્યારે તેની ૧૦ મિનિટ બાદ વિલ્ઝામે ગોલ કરતાં લિવરપૂલે પ્રથમ હાફ સુધી ૨-૦ની લીડ મેળવી લીધી હતી. બીજા હાફમાં સાલાહે ૪૮મી મિનિટે ગોલ કરી ટીમને ૩-૦ની લીડ અપાવી હતી જે મેચના અંત સુધી જાળવી રાખી મેચ જીતી લીધી હતી. આ સાથે લિવરપૂલે બોર્નમાઉથ સામેની છેલ્લી ૧૫ મેચ પૈકી ૧૧માં જીત મેળવી હતી અને ત્રણ ડ્રો કરી હતી. માત્ર એક વખત પરાજય થયો હતો. લિવરપૂલે હોમગ્રાઉન્ડ પર પોતાની છેલ્લી ૩૪ પ્રીમિયર લીગ મેચમાં પરાજય મેળવ્યો નથી. તેઓએ આ દરમિયાન ૨૪માં જીત મેળવી છે જ્યારે ૧૦ મેચ ડ્રો કરી છે. આ મેચ બાદ લિવરપૂલના મેનેજર જગર્ન ક્લોપે કહ્યું કે, અમે આ પહેલાંની બે મેચમાં સંઘર્ષ કરી રહ્યા હતા જેને કારણે જીતી શક્યા નહોતા પરંતુ આ મેચમાં સારો દેખાવ કર્યો હતો.અન્ય એક મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડે પોલ પોગ્બાના બે ગોલ અને માર્શિયલના એક ગોલની મદદથી ફૂલ્હામને ૩-૦થી હાર આપી હતી. આ જીતને કારણે માન્ચેસ્ટર યુનાઇટેડ ૫૧ પોઇન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. પોગ્બાએ મેચની ૧૪મી અને ૬૫મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે માર્શિયલે ૨૩મી મિનિટે ગોલ કર્યો હતો. માન્ચેસ્ટર યુનાઇટેડનો મેનેજર ઓલે ગનર સોક્જેરની છેલ્લી ૧૧ મેચમાં ૧૦મો વિજય હતો. માન્ચેસ્ટર યુનાઇટેડની સતત છઠ્ઠી અવે ગેમમાં જીત છે. મે ૨૦૦૯ બાદ પ્રથમ વાર સતત છ અવે ગેમ જીતી હતી.

 

(6:33 pm IST)