Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો ઉપયોગ કરતો હોવાથી મહેન્‍દ્રસિંહ ધોની છે રોગમુક્ત અને ફિટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર ચપળ છે. વિકેટોની પાછળ અને વચ્ચે તેની ઝડપ જોવા જેવી હોય છે. જ્યારથી ધોનીએ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી ત્યારથી ઓછી તક આવી છે, જ્યારે તેણે ફિટનેસ કે બિમારીને કારણે ક્રિકેટથી દૂર રહ્યો હોય. 37 વર્ષની ઉંમરે ધોનીની ફિટનેસ ઘણા યુવા ખેલાડીઓ કરતા સારી છે.

તેવામાં ધોનીના ફેન્સ હંમેશા તેની ફિટનેસ અને હેલ્થનું રાઝ જાણવા માટે ઉત્સુક રહે છે. ધોનીની પત્ની સાક્ષીએ તેની હેલ્ધી લાઇફ અને ફિટનેસના રાઝ પરથી પડદો ઉઠાવી લીધો છે.

મહત્વનું છે કે, સાક્ષી સિંહ ધોનીએ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ધોનીના કિચન ગાર્ડનનો છે, જ્યાં ઓર્ગેનિક રીતે ફળ અને શાકભાજી તૈયાર કરવામાં આવે છે.

નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીની સિમલિયા સ્થિત આવાસમાં હાઇડ્રોપોનિક્સ કિચન ગાર્ડન બનાવ્યું છે, જેમાં માટી વગર શાક-ફળ લગાવવામાં આવે છે. પોલી હાઉસમાં કોકોપિટ (નાળિયેર છોલ પાવડર)માં લગાવવામાં આવેલા રિંગણા, કોબી, ટમેટા, ખીરા, પાલકના છોડ છે, જે રાસાયણિક ખાતરથી સંપૂર્ણ રીતે મુક્ત છે.

શું છે હાઇડ્રોપોનિક્સ ટેકનિક

જો ખેતી પાણીમાં કરવામાં આવે છે તેને હાઇડ્રોપોનિક્સ કહે છે. તેમાં માટીની જરૂર પડતી નથી. સામાન્ય ખેતીમાં છોડ-વૃક્ષ જરૂરી પોષક તત્વ જમીનમાંથી લે છે, પરંતુ આમાં પાણીમાં વિશેષ પ્રકારનું ખાતર નાખીને છોડને પોષક તત્વ આપવામાં આવે છે. તેમાં નાઇટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ, જિંક, આયરન વગેરે એક ખાસ માપમાં મિક્સ કરવામાં આવે છે.

 

 

(5:25 pm IST)