Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

૫ વર્ષના લાંબા સમય બાદ વિકેટકીપર બેટસમેન સંજુ સેમસનનો ભારતીય ટીમમાં સમાવેશ

નવી દિલ્હી, તા. ૧૧ :. આશરે ૫ વર્ષના લાંબા સમય બાદ વિકેટકીપર બેટસમેન સંજુ સેમસનને ભારતીય ટીમની અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં પોતાની એક માત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ સંજુ સેમસનને શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝના અંતિમ મુકાબલામાં વિકેટકીપર - બેટસમેન તરીકે ટીમમાં સ્થાન મળ્યુ છે. રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

સંજુ સેમસને ૧૯ જુલાઈ ૨૦૧૫ના ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પોતાનુ આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યુ હતું. તે મુકાબલામા ભારતીય ટીમના કેપ્ટન અંજિકય રહાણે અને ટીમ ઈન્ડીયાએ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડયો હતો. સંજુ સેમસને તે મેચમાં નીચલા ક્રમમાં બેટીંગ કરવાની તક મળી હતી. સંજુ સેમસને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ૨૪ બોલમાં ૧ ચોગ્ગાની મદદથી ૧૮ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ ૭૯.૧૭ની રહી હતી. આ તે એકમાત્ર મેચ છે. જેમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ હારનો સામનો કરવો પડયો હતો. ત્યાર બાદ સંજુ સેમસનને કયારેય ભારતીય ટીમમાં તક મળી નથી. હવે અંતે ૫ વર્ષ બાદ તેને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

સેમસને પોતાની એકમાત્ર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ ૨૦૧૫ના ઝિમ્બાબ્વે વિરૂદ્ધ હરારેમાં રમી હતી, ત્યાર બાદ તેને તક ન મળી. આ વચ્ચે ભારતે ૭૩ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમી અને હવે સેમસનને તક મળી છે.

(5:58 pm IST)