Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વધુ એક સિદ્ધિઃ પ૦ ટેસ્ટ મેચમાં સુકાનીપદ સંભાળનાર બીજો ભારતીય કેપ્ટન બન્યોઃ ધોનીનો રેકોર્ડ તોડ્યો

પુણેઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ગુરૂવારે પુણેના મેદાન પર ટોસ માટે પહોંચ્યો તો તેણે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલી હવે ભારતનો બીજો એવો કેપ્ટન બની ગયો છે, જેણે 50 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. વિરાટ પહેલા પૂર્વ કેપ્ટન એમએસ ધોની જ એકમાત્ર એવો કેપ્ટન રહ્યો, જેણે 50થી વધુ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરી હતી.

કેપ્ટન તરીકે અડધી સદી બનાવનાર કોહલી વિશ્વનો 14મો અને બીજો ભારતીય કેપ્ટન છે. આ ટેસ્ટ મેચ પહેલા વિરાટ ભારતીય કેપ્ટનોની યાદીમાં સૌરવ ગાંગુલીની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર હતો. 49 ટેસ્ટમાં ભારતની આગેવાની કરનાર સૌરવ ગાંગુલી (2000-2005) હવે ત્રીજા સ્થાન પર આવી ગયો છે. એમએસ ધોની (2008-2014)એ 60 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી અને તે આજે પણ સૌથી વધુ ટેસ્ટમાં ભારતની કમાન સંભાળનાર કેપ્ટન છે.

વિરાટ કોહલીએ વર્ષ 2014મા ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. આ સિરીઝમાં એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને પછી પૂર્ણ રૂપથી ભારતીય ટેસ્ટ ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી હતી.

સ્મિથ છે સૌથી આગળ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ટેસ્ટ મેચોમાં આગેવાનીના રેકોર્ડની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ સૌથી આગળ છે. સ્મિથે 109 ટેસ્ટ મેચોમાં પોતાની ટીમની આગેવાની કરી હતી. તેણે 53 મેચમાં વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરે 93 ટેસ્ટ મેચમાં સુકાન સંભાળ્યું અને 32મા જીત મેળવી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના સ્ટીફ ફ્લેમિંગનો નંબર આવે છે, જેણે 80 ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળી હતી. તો રિકી પોન્ટિંગે 77 મેચોમાં આગેવાની કરી અને 48 મેચ જીતી હતી.

(4:41 pm IST)