Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

એશિયન પેરા ગેમ્સના થ્રો ઇવેન્ટમાં ભારતીય ખેલાડી એકતાએ મેળવ્યું સુવર્ણ

નવી દિલ્હી:એશિયન પેરા ગેમ્સમાં ભારતીય એથ્લિટ્સે પ્રભાવશાળી દેખાવ જારી રાખ્યો છે. મંગળવારે વિમેન્સ ક્લબ થ્રો ઇવેન્ટમાં એકતા ભ્યાને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભ્યાને તેના ચોથા પ્રયાસમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ૧૬.૦૨ મીટરનો થ્રો કર્યો હતો. એફ ૩૨/૫૧ ઇવેન્ટમાં એકતાએ ગોલ્ડ, યુએઇની અલ્કાબી થેકરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. એફ ૩૨/૫૧ એવો વિભાગ છે જેમાં હાથની ખોડ ધરાવતા એથ્લિટ્સને સામેલ કરવામાં આવે છે. અગાઉ વર્ષના પ્રારંભે એકતાએ ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે મંગળવારે ગોલ્ડ સાથે બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યા હતા. જેમાંથી મોનુ ગંગાસે મેન્સ શોટ પટમાં, આનંદન ગુણાશેખરને મેન્સ ૨૦૦ મીટરમાં જ્યારે જયંતિ બેહરાએ વિમેન્સ ૨૦૦ મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ, ભારત હાલ ચાર ગોલ્ડ, સિલ્વર બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં નવમાં સ્થાને છે. એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ એથ્લિટ્સમાં એકતા ભ્યાન ઉપરાંત સંદીપ ચૌધરી, સુયશ જાધવ, રાજુ રક્ષિતાનો સમાવેશ થાય છે. ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે તેવા એથ્લિટ્સમાં ફરમાન બાશા, દેવાંશી સત્જીતા, મનિષ નરવાની, સખીના ખાતુન, રામ્યા નાગરાનાઇ, રાધા વેંકટેશ, સુકંદાત કદમનો સમાવેશ થાય છે. ૧૩ ઓક્ટોબર સુધી યોજાનારી એશિયન પેરા ગેમ્સની ૧૩ રમતમાં ભારતના ૧૮૯ એથ્લિટ્સ ભાગ લઇ રહ્યા છે.

 

(6:37 pm IST)