Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કોન્ટીનેન્ટલ કપમાં ભારતના અર્પિન્દર સિંઘે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ અર્પિન્દર સિંઘે ચેક રિપબ્લિકમાં ચાલી રહેલા કોન્ટીનેન્ટલ કપમાં ટ્રીપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. અર્પિન્દર આ સાથે એથ્લેટિક્સની એલિટ ટુર્નામેન્ટ - કોન્ટીનેન્ટલ કપ - મા મેડલ જીતનારો ભારતનો સૌપ્રથમ એથ્લીટ બની ગયો છે. આઇએએએફની સિઝનની આખરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત સાત ખેલાડીઓ ઓસ્ટ્રાવામાં છે અને તેઓ ટીમ એશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આઇએએએફ કોન્ટીનેન્ટલ કપમાં યોજાયેલી મેન્સ ટ્રિપલ જમ્પની ઈવેન્ટમાં ભારતના અર્પિન્દર સિંઘે ૧૬.૫૯ મીટરના જમ્પ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતુ. અમેરિકન ટીમના ડબલ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ ક્રિસ્ટીન ટેલરે ૧૭.૫૯ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે આફ્રિકાના હ્યુગુઅસ ઝાન્ગોએ ૧૭.૦૨ મીટરના અંતર સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારતના મુહમ્મ્દ અનસે ૪૦૦ મીટરની દોડમાં ૪૫.૨૪ સેકન્ડના સમય સાથે નવો નેશનલ રેકોર્ડ સર્જ્યો હતો. જોકે તે મેડલ જીતી શક્યો નહતો અને પાંચમા ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતની સુધા સિંઘ ૩૦૦૦ મીટરની સ્ટીપલ ચેઝની ઈવેન્ટમાં છેલ્લા સ્થાને રહી હતી. એશિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય એથ્લીટ પી.યુ. ચિત્રાએ ૧,૫૦૦ મીટરની દોડમાં શાનદાર દેખાવ કરતાં આઠ એથ્લીટ્સની સ્પર્ધામાં ચોથુ સ્થાન મેળવ્યું હતુ. તેણે ચાર મિનિટ અને ૧૮.૪૫ સેકન્ડનો સમય આપ્યો હતો. પુરુષોની ૮૦૦ મીટરની દોડમાં ભારતનો નેશનલ રેકોર્ડ હોલ્ડર જિન્સન જોન્સન એક મિનિટ અને ૪૮.૪૪ સેકન્ડના સમય સાથે સાતમા ક્રમે રહ્યો હતો. જ્યારે કેન્યાના ઈમાનુલ કિપ્કુરુઈ કોરીરે ૧ મિનિટ અને ૪૬.૫૦ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની હિમા દાસ પણ આ ઈવેન્ટ માટે ક્વોલિફાય થઈ હતી. જોકે સતત વ્યસ્ત કાર્યક્રમને કારણે આરામ કરવાનો નિર્ણય લીધો હતો. 

(5:45 pm IST)