Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભારતને એશિયન ગેમ્સમાં મેડલ મળવો આસાન નથી: પ્રકાશ પાદુકોણ

નવી દિલ્હી: ભારતના ભુતપુર્વ બેડમિંટન ચેમ્પિયન કે જેઓ ઓલ ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય રહી ચૂકયા છે તેવા પ્રકાશ પદુકોને ભારતની બેડમિંટન ટીમને ચેતવી છે કે આગામી એશિયન ગેમ્સમાં મેડલ જીતવો ધાર્યા કરતા પડકારજનક બની રહેશે. ૧૮ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતની ટીમમાં પી.વી. સિંધુ, સાયના નેહવાલ, કિદમ્બી શ્રીકાંત અને એચ એસ પ્રણોય જેવા બેડમિંટનના વિશ્વના અગ્રણી ખેલાડીઓ છે. આ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન કે રનર્સ અપ બની ચૂકયા છે. તેઓએ વર્લ્ડ ચેમ્પિયનોને પણ હરાવ્યા છે છતાં પદુકોને માને છે કે ભારતને એશિયન ગેમ્સમાં મેડલ મળવો આસાન નથી. ભારતે અત્યાર સુધીમાં એક જ મેડલ એશિયન ગેમ્સના ઇતિહાસમાં જીત્યો છે જે ૧૯૮૨માં સૈયદ મોદીએ જીત્યો હતો. પદુકોનેએ આ માટેનું કારણ આપતા જણાવ્યું છે કે બેડમિંટનના મોટાભાગના સ્ટાર અને મેડલના દાવેદાર ખેલાડીઓ એશિયાના જ છે. આ તમામ ખેલાડીઓ એશિયન ગેમ્સના મેડલ જીતવા માટે છેલ્લા કેટલાક અરસાથી સખ્ત મહેનત કરે છે. ભારતના ટોચના ખેલાડીઓ હમણા જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઇને પરત ફરી હોઇ ખેલાડીઓ કેવો ફિટનેસ અને જુસ્સો જાળવી રાખે છે તે પણ નિર્ણાયક બનશે. જો કે ભારત મેડલ જીતવાનું દાવેદાર મનાય છે અને તે માટે સક્ષમ પણ છે.

 

 

(3:31 pm IST)