Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મેચ માટે લોકોના ઝનુનથી ઈંગ્લેન્ડની સરકાર ચિંતામાં

રવિવારે યુરો કપની ફાયનલ રમાશે : ૧૯૬૬ બાદ પહેલી વખત ઈંગ્લેન્ડની ટીમ ફૂટબોલની મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી, ઈટાલી સામે મુકાબલો

લંડન, તા.૧૦ : યુરોકપની ફાઈનલ રવિવારે રમાશે.ફાઈનલ માટે જે પ્રકારનુ ઝનૂન ફૂટબોલ ચાહકો બતાવી રહ્યા છે તેના કારણે ઈંગ્લેન્ડની સરકારનુ કોરોનાને લઈને ટેન્શન વધી રહ્યુ છે.

૧૯૬૬ બાદ પહેલી વખત ઈંગ્લેન્ડની ટીમ ફૂટબોલની કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશી છે.રવિવારે તેનો મુકાબલો ઈટાલી સામે થવાનો છે.તેમાં પણ યુરોકપની ફાઈનલ ઈંગ્લેન્ડના વેમ્બલી સ્ટેડિયમમાં રમાવાની છે.સ્ટેડિયમ ફૂટબોલ ચાહકોથી ખચાખચ ભરાયેલુ રહેશે.ચાહકો ટિકિટ માટે મોં માંગ્યા ભાવ ચુકવી રહ્યા છે. જોકે હવે તેના કારણે કોરોનાનુ જોર વધવાની સંભાવના વધી ગઈ છે.સેમિ ફાઈનલમાં ડેન્માર્ક સામે ઈંગ્લેન્ડે  મેળવેલી જીત બાદ ઈંગ્લેન્ડના ચાહકો બેકાબૂ બનીને રસ્તા પર ઉમટી પડ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ તો બાજુ પર રહ્યુ પણ કોઈએ માસ્ક સુધ્ધા નહોતા પહેર્યા.જો સેમિ ફાઈનલમાં જીત બાદ રસ્તાઓ પર લાખો લોકો ઉમટી પડ્યા હોય તો ફાઈનલમાં જો ઈંગ્લેન્ડ જીત્યુ તો શું સ્થિતિ થશે તે વિચારીને સરકારને ડર લાગી રહ્યો છે.

યુરો કપ દરમિયાન લંડન અને સેન્ટ પીટર્સબર્ગમાં પહેલા કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ જોવા મળી ચુકયો છે.આમ ફાઈનલના કારણે લંડન તો ઠીક છે પણ યુરોપના બીજા દેશોમાં પણ કોરોના ફેલાઈ શકે છે. જોકે સરકાર માટે એક આશ્વાસન છે કે, ઈંગ્લેન્ડમાં ૫૧ ટકા લોકોને કોરોના વેક્સીનના બે ડોઝ લાગી ચુકયા છે.આમ છતા કોરોનાના ખતરાને નજર અંદાજ કરવો ભારે પડી શકે છે તેવુ જાણકારોનુ માનવુ છે.

(7:25 pm IST)