Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

12મી વખત ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટની ટાઇટલ જીત્યું નડાલે

નવી દિલ્હી:સ્પેનના ટેનિસ સ્ટાર રફેલ નદાલે ફ્રેન્ચ ઓપન ૨૦૧૯ના મેન્સ સિંગલ્સનો ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી લીધો હતો. ક્લે કોર્ટ પર તેણે સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનવાની હેટ્રિક નોંધાવી હતી.  આમ ક્લે કોર્ટ ઉપર નદાલે પોતાના દબદબો જાળવી રાખ્યો હતો.  ક્લે કોર્ટના બાદશાહ ગણાતા નદાલે વિક્રમી ૧૨મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. વિશ્વના બીજા ક્રમાંકિત નદાલે કોઇ ગ્રાન્ડ સ્લેમને ૧૦ કે તેથી વધુ વખત જીતનાર પ્રથમ ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી છે. ૩૩ વર્ષીય નદાલે કારકિર્દીનો ૧૮મો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. તે હજુ પણ સ્વિર્ટ્ઝલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર કરતાં બે મેજર ટાઇટલ દૂર છે. ફાઇનલ મુકાબલામાં નદાલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને ચાર સેટમાં ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી હરાવ્યો હતો. ફાઇનલ મુકાબલો ત્રણ કલાક એક મિનિટ સુધી રમાયો હતો. નોંધનીય છે કે ૨૦૧૮ની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પણ નદાલે થિએમને પરાજય આપ્યો હતો. ઓપન એરામાં રોજર ફેડરર અને નદાલ ઉપરાંત સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતનાર ખેલાડીઓમાં ર્સિબયાના નોવાક જોકોવિચ (૧૫), અમેરિકાના પેટ સામ્પ્રાસ (૧૪)નો સમાવેશ થાય છે.

(5:51 pm IST)