Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મારા પિતાનું જીવન કોરોનાની વેક્સીનના કારણે બચી ગયુઃ ભારતીય ક્રિકેટર આર. અશ્વિને વેક્સીન મહામારીમાં ખૂબ જ ઉપયોગી હોવાનું કહ્યુ

નવી દિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરથી ખરાબ રીતે પ્રભાવિત છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાનાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં દેશના હજારો લોકો રોજ તેના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને પણ તેના પરિવાર પર કોરોનાના સંકટ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

વચ્ચે જ છોડી હતી આઈપીએલ

તમને જણાવી દઈએ કે, રવિચંદ્રન અશ્વિને આઈપીએલ 2021 ને (IPL 2021) વચ્ચે છોડી દીધી હતી. અશ્વિને આ નિર્ણય ફક્ત તેના પરિવારને સાથ આપવા માટે લીધો હતો. તેની યુટ્યુબ ચેનલ પર અશ્વિને કહ્યું, 'હું આઈપીએલ રમી રહ્યો હતો, તેથી મારી પત્ની અને મારા માતા-પિતાએ મને કહ્યું નહીં કે આ ઘરમાં આ સ્થિતિ છે. મારા બાળકોને 3-4 દિવસ સુધી વધારે તાવ હતો. મારી પત્નીએ મને કહ્યું હતું કે તેને હવે શું કરવું તે ખબર નથી કારણ કે તેણે દવાઓ આપી હતી પણ તાવ ઓછો થયો નહોતો. '

વેક્સીને બચાવ્યો પિતાનો જીવ

અશ્વિને કહ્યું, 'મારા આખા પરિવારને કોરોના થયો હતો. મારા પિતા પહેલા તો સ્વસ્થ હતા, પરંતુ પછી તેનું ઓક્સિજન 85 ની નીચે આવી ગયું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યા. ડિસ્ચાર્જ થયા હોવા છતાં ઘણા દિવસો સુધી તેમના ઓક્સિજનના સ્તરમાં કોઈ સુધારો થયો ન હતો. મારા પિતાએ વેક્સીનના બંને ડોઝ લીધા હતા. હું તમને ખાતરી આપી શકું છું કે વેક્સીનના કારણે મારા પિતાનું જીવન બચી ગયું હતું.

 

(4:49 pm IST)