Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રણિત-સમીરની આગેકૂચ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતના સાઈ પ્રણિત અને સમીર વર્માએ મેન્સ સિંગલ્સમાં પોતપોતાના મુકાબલા જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. બીજો સીડ ધરાવતા સાઈ પ્રણિતે ઈઝરાઈલના મિશા ઝીલ્બેરમાનને ૨૧-૧૭, ૨૧-૧૪થી પરાજીત કર્યો હતો. જ્યારે ભારતના સમીર વર્માએ ન્યુઝીલેન્ડના અભિનવ માનોતાને ૧૩-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૨થી હરાવીને આગેકૂચ કરી હતી. ભારતની મહિલા બેડમિંટન ખેલાડી સાયના નેહવાલ આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. જોકે સાયના અને એચએસ પ્રનોય આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા નથી. નોંધપાત્ર છે કે, બંને ખેલાડીઓએ અગાઉ રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. સમીરના ભાઈ અને ભારતના એલિટ બેડમિંટન ખેલાડીઓમાં સ્થાન ધરાવતા સૌરભ વર્માને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. સૌરભ વર્માને જાપાનના ટાકુમા યુડાએ ૧૯-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૨ થી હરાવ્યો હતો. બીનક્રમાંકિત ખેલાડી તરીકે રમી રહેલા ભારતના અજય જયરામને પણ જાપાનના રિચી તાકેશીતા સામે ૨૦-૨૨, ૨૨-૨૦, ૨૧-૧૭થી પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતનો સાઈ પ્રણિત હવે ઈન્ડોનેશિયાના પાન્જી અહમદ માઉલાના સામે રમશે. જ્યારે સમીર વર્માનો મુકાબલો જાપાના ટાકુમા સામે થશે. ભારતના મનુ અત્રી અને બી.સુમંથ રેડ્ડીની જોડીએ પણ આસાનીથી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
 

(5:00 pm IST)