Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ચેન્‍નઇમાં ઇંગ્‍લેન્‍ડ સામે પરાજય બાદ હવે વિરાટ કોહલીના સ્‍થાને અંજિકય રહાણેને કેપ્‍ટન બનાવવા માંગણી

ચેન્નઈઃ ભારતીય ટીમને ચેન્નઈમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 227 રનના મોટા અંતરથી હરાવ્યું. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર કેટલાક ફેન્સે નિશાન સાધ્યુ અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો.

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં 420 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 192 રન બનાવી શકી. વિરાટ કોહલી (72) અને યુવા ઓપનર શુભમન ગિલ (50) જ ઈંગ્લિશ બોલરોનો સામનો કરી શક્યા પરંતુ આ સિવાય કોઈ અન્ય બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં.

આ હાર બાદ વિરાટ કોહલી અને તેની કેપ્ટનશિપને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કોમેન્ટ કરી.

રાકેશ નામના યૂઝરે તો અંજ્કિય રહાણેને વિરાટ કોહલીથી સારો કેપ્ટન ગણાવ્યો.

ભારતીય ટીમને ચેન્નઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 227 રને કારમો પરાજય આપ્યો છે. જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડે શાનદાર જીત મેળવી અને 4 મેચોની આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

ઈંગ્લેન્ડે આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 578 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેમાં જો રૂટ (218)ની બેવડી સદીની મહત્વની ભૂમિકા રહી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 337 રન બનાવી શકી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 178 રન બનાવી ઓલઆઉટ થઈ અને ભારતને જીતવા માટે 420 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 192 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

(5:08 pm IST)