Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

સિડની ટેસ્ટ વિવાદ : સિરાજ પર ફરી વંશીય ટિપ્પણી કરાઈ

મોહમ્મદ સિરાજ પર ફરીવાર વંશીય ટિપ્પણી :થોડીવાર માટે રોકાયો ખેલ, દર્શકોને મેદાનથી બહાર કઢાયા

સિડની, તા. ૧૦ : રવિવારે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર કરેલી વંશીય ટિપ્પણી બાદ છ દર્શકોને મેદાનની બહાર કાઢી દેવામાં આવ્યા છે. ભારતીય ટીમ મેનેજમેંટ દ્વારા શનિવારે મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ વિરુદ્ધ વંશીય ટિપ્પણીની ફરિયાદ નોંધાઈ હતી. રવિવારે ફરીવાર આવી ઘટના જોવા મળી હતી, ત્યારબાદ પોલીસકર્મીઓ તરફથી ગેરવર્તન કરતા દર્શકોને મેદાનની બહાર કાઢવામાં આવ્યા હતા.

રવિવારે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની ૮૬મી ઓવર પછી આ ઘટના બની હતી. મોહમ્મદ સિરાજ ૨૫મી ઓવર પૂરી કર્યા પછી સ્કવેર લેગ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે બંને અમ્પાયર અને અજિંક્ય રહાણે પાસે આવ્યો. તે પછી તેઓ બંને સ્ક્વેર લેગ અમ્પાયર પોલ રાઇફલ પાસે ગયા. ભારતીય ટીમ પણ ત્યાં જ ઘેરો બનાવીને ઉભી હતી અને કેપ્ટન રહાણે બંને અમ્પાયર્સ પોલ રાઇફલ અને પોલ વિલ્સન સાથે વાત કરી રહ્યો હતા. બધા બાઉન્ડ્રી લાઇન તરફ ગયા અને સુરક્ષા જવાનો સાથે વાત કરવા લાગ્યા.

ત્યારબાદ સુરક્ષા અધિકારીઓએ દર્શકોમાં હાજર કેટલાક લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. ખાસ કરીને કેટલાક યુવાનો અને એક દંપતી સાથે તેઓ ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા હતા. આ પછી તે લોકોને સ્ટેડિયમ છોડીને બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું.

પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે આ ઘટના પર દુઃ ખ વ્યક્ત કર્યું હતું. લક્ષ્મણે ટ્વિટ કર્યું કે, 'સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે બન્યું તે એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે. આ રીતની બકવાસને કોઈ સ્થાન નથી. રમત દરમિયાન સ્ટેડિયમમાં ખેલાડીઓ પર કમેન્ટ્સ કરવાની શું જરૂર છે. જો તમે આ રમત જોવા માટે નથી આવ્યા અને ક્યારેય પણ સમ્માનપૂર્વક વ્યવહાર નથી કર શકતા, તો સ્ટેડિયમમાં આવીને માહોલ બગાડશો નહી.' શનિવારે પણ આવું જ બન્યું હતું જ્યારે બુમરાહ અને સિરાજ પર દર્શકો તરફથી વંશીય ટિપ્પણી કરવામાં આવી હતી. ભારત વતી આઇસીસી દ્વારા એક સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. શનિવારની ઘટના પર ક્રિકેટ સ્ટ્રેલિયાના સુરક્ષા વડા સીન કોરલે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અમારા એન્ટિ હેરસમેન્ટ કોડ હેઠળ કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત ન્યુ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા અન્ય પ્રતિબંધો પણ શામેલ છે. ભારતે ત્રીજા દિવસે શનિવારે રમતના અંત પછી વંશીય ટિપ્પણી અંગે ફરિયાદ કરી હતી. એવું લાગતું હતું કે સિરાજને કેટલાક અપશબ્દો કહેવામાં આવ્યાં હતાં. બંને અમ્પાયરોએ એકબીજા સાથે વાતચીત કરી હતી, જેમાં સિરાજે જણાવ્યું હતું કે, કઈ બાજુથી ટિપ્પણી કરવામાં આવી હતી. કોમેન્ટ્રી કરનારા લેજન્ડરી લેગ સ્પિનર શેન વોર્ને કહ્યું, 'આ જોઈને સારું લાગી રહ્યું છે કે અમ્પાયર, સુરક્ષાકર્મીઓ અને પોલીસે પરિસ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી.કથિત આરોપીઓને મેદાનની બહાર કાઢવામાં આવ્યા તે જોઈને સારું લાગ્યું, આ દરમિયાન બાકીના દર્શકોએ તાળીઓથી સ્વાગત કર્યું હતું. ક્રિકેટના સ્ટેડિયમમાં તમારે જેવા લોકોની જરૂર નથી.'

(8:10 pm IST)