Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ટી-20 મેચમાં ક્રિસ ગેલે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી:વિન્ડિઝના ધરખમ બેટ્સમેન ક્રિસ ગેલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ ટી-૨૦માં માત્ર ૫૧ બોલમાં ૧૪ છગ્ગા અને ચોગ્ગા સાથે અણનમ ૧૨૬ રન ઝૂડીને ખળભળાટ મચાવ્યો હતો. ગેલે તેની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન ટી-૨૦માં ૮૦૦ છગ્ગા પુરા કર્યા હતા, તેની સાથે સાથે૧૯મી સદી પણ ફટકારી હતી. ગેલની તોફાની ઈનિંગને સહારે રંગપુર રાઈડર્સે ખુલ્ના ટાઈટન્સને હરાવીને તેને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી હતી. રંગપુર રાઈડર્સે જીતવા માટે જરુરી ૧૬૮ રન માત્ર ૧૭. ઓવરમાં બે વિકેટે કરી લીધા હતા.ગેલે સિઝનમાં પહેલી અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં તેની ચોથી  સદી ફટકારી હતી. ટ્વેન્ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ તરીકેની ઓળખ ધરાવતા ગેલે કારકિર્દીમાં ૧૪મી વખત ઈનિંગમાં ૧૦થી વધુ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અન્ય બેટસમેનો આવી સિદ્ધિ માંડ બે વખત મેળવી શક્યા છે. ગેલ વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે કે, જેણે ત્રણેય ફોર્મેટમાં ૧૫ કે વધુ સદી નોંધાવી હતી. તેણે ટેસ્ટમાં ૨૨ અને વન ડેમાં ૧૫ સદી ફટકારી છે. ગેલે આઇપીએલમાં બેંગ્લોર તરફથી પૂણે સામેની મેચમાં ૧૭ છગ્ગા સાથે ૬૬ બોલમાં અણનમ ૧૭૫ રન ફટકાર્યા હતા. તેણે સમરસેટ તરફથી કેન્ટ સામે ૬૨ બોલમાં અણનમ ૧૫૧ રન ફટકાર્યા, જેમાં ૧૫ છગ્ગા સામેલ હતા.

 

(6:30 pm IST)