Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર ટેસ્ટ શ્રેણી જીતવા ભારતને સારો મોકો: દ્રવિડ

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ક્રિકેટના ભરપૂર કસબ સાથેની ટીમને આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વાર ટેસ્ટ શ્રેણી જીતવાનો ઘણો મોટો મોકોછે.

દ્રવિડે પોતે આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ભારતની વર્તમાન ટીમ પાસે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટની શ્રેણી જીતવા બધી લાયકાત છે. શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ કેપ ટાઉન ખાતે ૫મી જાન્યુઆરીથી રમાનાર છે. જોકે, સતત નવ શ્રેણી જીતેલ વિશ્ર્વમાં સર્વોચ્ચ ક્રમાંકની ભારતની ટીમને શ્રેણીની શરૂઆત પૂર્વે ફક્ત એક પ્રેક્ટિસ મેચ રમવા મળનાર છે. "આપણી વર્તમાનની ટીમની તાકાતને જોતા આ વેળા જીતવાનો સારો મોકો છે, એમ દ્રવિડે કહ્યું હતું.

હાલમાં ૧૯-હેઠળનાઓ અને ભારત-એ ટીમને તાલીમ આપી રહેલા દ્રવિડે કહ્યું હતું કે ભારતની ટીમના બધા બેટ્સમેન અગાઉ દક્ષિણ આફ્રિકામાં રમી ચૂક્યા છે અને તેઓ ૪૦-૫૦ ટેસ્ટનો અનુભવ ધરાવે છે. "પણ, ત્યાંની સ્થિતિમાં આપણે થોડા સદ્ભાગ્યની પણ જરૂર છે, એમ તેણે ઉમેયુર્ં હતું.

ભારતીય ક્રિકેટરો છેલ્લી ચૅમ્પિયન્સ ટ્રોફીથી સતત રમી રહ્યા છે અને રાષ્ટ્રના ક્રિકેટમાં ભરચક કાર્યક્રમ બદલ ભારતીય સુકાની કોહલીએ પોતે ફરિયાદ કરી હતી કે તેના ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે તૈયારી કરવાનો પૂરતો સમય મળ્યો નથી.

ભારત-શ્રીલંકા વચ્ચે મર્યાદિત ઓવરની મેચો ૨૪મી ડિસેમ્બરે પૂરી થયા પછીના ત્રણ દિવસમાં કોહલી અને તેના સાથી ખેલાડી દક્ષિણ આફ્રિકામાં રમવા જવા રવાના થનાર છે.

કોહલીએ દરેક પ્રકારની ક્રિકેટમાં ભારત વતી સૌથી વધુ સદી નોંધાવવામાં દ્રવિડને પસાર કરી તાજેતરમાં બીજા સ્થાને આવ્યો હતો અને તે હવે સચિન તેન્ડુલકરના વિક્રમથી ફક્ત એક સદી દૂર છે.

 

(8:46 am IST)