Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આઇપીએલમાં દિલ્‍હી કેપિટલ્‍સના કાગિસો રબાડાએ 29 વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહને પાછળ રાખી દઇને પર્પલ કેપ પ્રાપ્‍ત કરી લીધી

દુબઇઃ UAEમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બીજી ક્વાલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સે ફાસ્ટ બોલર કાગિસો રબાડાના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદને 17 રને હરાવી દીધુ.

આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુક્સાને દિલ્હીની ટીમે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ઝડપથી જીત તરફ આગળ વધી રહી હતી, પરંતુ રબાડાએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને મેચ દિલ્હીના તરફ કરી દીધી. આ દરમિયાન રબાડાએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ પણ કરી લીધો છે.

રબાડાએ આ મેચમાં પોતાની 4 ઓવરમાં 29 રન આપીને 4 બેટ્સેમેનોને પેવેલિયનમાં પરત મોકલ્યા હતા. આ દરમિયાન તેમણે આખરી ઓવરમાં મોહમ્મદ સમદ, રાશિદ ખાન અને શ્રીવત્સ ગોસ્વામીને આઉટ કર્યા. આ ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. જેણે હૈદરાબાદના મોઢામાં આવેલ જીતનો કોળિયો છીનવીને દિલ્હીના હાથમાં આપી દીધો.

આ મેચમાં રબાડાએ સૌ પ્રથમ ફોર્મમાં ચાલી રહેલા હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરની વિકેટ ઝડપી હતી. રબાડાએ આ IPLમાં અત્યાર સુધી 29 વિકેટ ઝડપી છે. આ સાથે જ રબાડાએ એક વખત ફરીથી જસપ્રીત બુમરાહને પાછળ છોડીને પર્પલ કેપ પ્રાપ્ત કરી લીધી છે. આ સિવાય રબાડા IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજો બોલર બની ગયો છે.

IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ વર્ષ 2013માં સૌથી વધુ 32 વિકેટો ઝડપી હતી. જો કે હજુ પણ રબાડા પાસે બ્રાવોનો આ રેકોર્ડ તોડવાની તક છે, કારણ કે હજુ પણ દિલ્હીની ટીમને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ફાઈનલ મેચ રમવાની બાકી છે.

રબાડા જો ફાઈનલ મેચમાં પણ 4 વિકેટ ઝડપવામાં સફળ થઈ જાય છે, તો તેમના નામે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાઈ જશે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર શ્રીલંકાના ઘાતક બોલર લસિથ મલિંગાનું નામ છે. જેમણે 2011ની IPLમાં 28 વિકેટ ઝડપી હતી. આ લિસ્ટમાં ચોથા અને પાંચમાં ક્રમે જેમ્સ ફૉકનર (28) અને બુમરાહ (27) નું નામ છે.

(5:05 pm IST)