Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદમાં ડે એન્ડ નાઇટ ટેસ્ટ રમાશે

IPL આવતા વર્ષે ભારતમાં જ રમાશેઃ ઇંગ્લેન્ડની ટીમ ભારત આવશેઃ ગાંગુલી

મુંબઇઃ બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે આગામી  વર્ષે ૨૦૨૧માં આઇપીએલ ભારતમાં જ યોજાશે. પૂરેપૂરી આશા છે કે આગામી આઇપીએલ એપ્રિલ મહિનામાં ભારતમાં જ યોજાશે. મને આશા છે કે ત્યાં સુધીમાં કોરોના વાયરસની રસી શોધાઈ ગઈ હશે. આમ થશે તો ભારતમાં ફરી એક વાર આ સૌથી લોકપ્રિય ટી૨૦ લીગનો પ્રારંભ થશે.

ભારત અને ઇંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમનારી છે. જેમાંની એક ટેસ્ટ ડે-નાઇટ ક્રિકેટ ટેસ્ટ રહેશે અને તે માટે અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા મોટેરા સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે.

 ઇંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવનારી છે અને તેમાં તેઓ પાંચ ટેસ્ટની સિરીઝ રમનારી છે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટનું આયોજન કરશે જે ડે-નાઇટ મેચ હશે.  ગાંગુલીએ ઉમેર્યું હતું કે ભારતની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ સામાન્ય રીતે ઓકટોબરમાં શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે પરંતુ મને આશા છે કે અમે શકય તેટલી વધુ મેચોનું આયોજન કરીશું. કેટલીક ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રદ થઈ શકે છે પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટ તો રમાશે તે નક્કી છે.

(2:54 pm IST)