Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાલે મુંબઈ અને દિલ્હી વચ્ચે ફાઈટ ટુ ફિનિશ મુકાબલો

મુંબઈને પાંચમી વખત તાજપોશી કે દિલ્હી ચેમ્પિયન બનશે?

રોહિત અને ઐયરની ટીમના ખેલાડીઓ સજ્જ : બંને ટીમો ચેમ્પિયન બનવા એડી ચોટીનું જોર લગાવશે

દુબઈ, તા.૯ : આઈપીએલ-૧૩ના કવોલિફાયર-૨ મુકાબલામાં હૈદરાબાદને ૧૭ રને હરાવીને દિલ્હી કેપિટલ્સે ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે ત્યારે આવતીકાલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ઉપર સાંજે ૭:૩૦ વાગ્યાથી તેની ટક્કર ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. 'ફાઈટ ટુ ફિનિશ' સમાન આ મુકાબલામાં દિલ્હી જીતશે તો ટૂર્નામેન્ટનો નવો ચેમ્પિયન મળશે અને મુંબઈ જીતશે તો તેના શિરે પાંચમી વખત ચેમ્પિયનની તાજપોશી થઈ જશે. આ પહેલાં કવોલિફાયર-૧માં દિલ્હીને મુંબઈએ સણસણતો પરાજય આપ્યો હોવાથી કાલના મેચમાં તે ભૂલ ન થાય તેનું દિલ્હી ઝીણામાં ઝીણું ધ્યાન રાખશે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે અત્યાર સુધીની સફર દરમિયાન આ મુકાબલો અમારા માટે શાનદાર રહ્યો છે. અહીં સુધી પહોંચતાં પૂર્વે અમારી ટીમમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે પરંતુ અમે એક પરિવારની જેમ ટકી રહ્યા હતા. કેપ્ટન તરીકે બહુ જવાબદારી હતી અને ટોચના ક્રમમાં તમારે એક બેટસમેન તરીકે નિરંતરતા જાળવવાની પણ જવાબદારી હતી પરંતુ મને મારા કોચ અને ટીમ માલિકોનું સમર્થન મળ્યું હતું. વાસ્તવમાં હું ભાગ્યશાળી છું કે મને આટલી સારી ટીમ મળી છે. આગલા મેચમાં પણ અમે સ્વચ્છંદ બનીને રમશું અને અમારો આત્મવિશ્વાસ બિલકુલ ઓછો થવા નહીં દઈએ.

બીજી બાજુ મુંબઈની ટીમ પણ જોરદાર ફોર્મમાં રમી રહી છે અને ખાસ કરીને તેના બોલરો અને બેટસમેનો તેમજ ફિલ્ડરો પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે દિલ્હી માટે ફાઈનલ જીતવો આસાન નહીં હોય. મુંબઈની વાત કરવામાં આવે તો અત્યારે તેનો કી-બોલર બુમરાહ તરખાટ મચાવી રહ્યો છે અને તેની સાથે બોલ્ટ પણ વેધક બોલિંગ ફેંકી રહ્યો છે જે મુંબઈની મુખ્ય તાકાત છે. જયારે બેટિંગ ઓર્ડરમાં મુંબઈ પાસે ચાર ચાસણી ચડે તેવા બેટસમેનો છે.

ખાસ કરીને કિવન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને પાછલા મેચોમાં કરેલુું પ્રદર્શન મુંબઈના બોલરોની ચિંતા વધારશે જ વધારશે સાથે સાથે રોહિત શર્મા અને કિરોન પોલાર્ડના ફોર્મ ઉપર પણ સૌની નજર ટકેલી રહેશે. જો આ બન્ને ખેલાડી ફોર્મમાં આવી ગયા તો દિલ્હી માટે મેચ ઘણો જ દૂર થઈ જવાનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સ્પીન એટેકની વાત કરવામાં આવે તો મુંબઈ પાસે કૃણાલ પંડ્યા અને રાહુલ ચહર નામની જોડી છે જે ગમે તેવા બેટસમેનને નચાવવા માટે સક્ષમ હોવાથી એક સંપૂર્ણ પેકેજ ધરાવતી મુંબઈ જીત માટે એડીચોટીનું જોર લગાવી દેશે.

(2:54 pm IST)