Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

આંતરરાષ્‍ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની જાહેરાતઃ ક્વોલિફાઇંગ મેચ ભારતમાં રમાશેઃ ૨૦ પુરૂષો અને ૨૦ મહિલા ટીમો જોડાશે

મિએસ (સ્વિટ્ઝર્લેન્ડ): આગામી વર્ષે ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ઘણી રમતોનો ક્વોલિફાઇંગ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ વખતે ઓલિમ્પિકમાં રમાનારી 3x3 બાસ્કેટબોલ સ્પર્ધા માટે ક્વોલિફાઇંગ મેચ ભારતમાં રમાશે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનએ તેની જાહેરાત કરી છે. આ ક્વોલિફાઇંગ મેચ આગામી વર્ષે માર્ચ મહિનામાં રમાશે.

ભારતમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં 40 ટીમો ભાગ લેશે, જેમાં 20 પુરૂષ અને 20 મહિલા ટીમો હશે. આ મુકાબલા ભારતમાં ક્યાં રમાશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે. ફીબાએ પોતાની પ્રેસ રિલીઝમાં કહ્યું કે, ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટના વિજેતાઓને છ ઓલિમ્પિક ટિકિટ આપવામાં આવશે જેમાથી ત્રણ પુરૂષ અને ત્રણ મહિલા ખેલાડીઓને મળશે.

પ્રથમવાર કોઈ ઓલિમ્પિકમાં આ 3x3 બાસ્કેટ બોલની સ્પર્ધા થઈ રહી છે. ભારતીય બાસ્કેટબોલ ફેડરેશનના અધ્યક્ષ ગોવિંદરાજ કેમ્પારેડ્ડીએ કહ્યું, 'અમારા માટે આ મોટા સન્માનની વાત છે કે અમને ઈવેન્ટની યજમાની કરવાની તક મળી. અમે જોઈશું કે અમારા ખેલાડી ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ કરવા માટે કોઈ કસર ન છોડે.'

તો ફીબાના મહાસચિવ એંડ્રિયાસ જાગ્કિ્લસે કહ્યું, 'અમે ઓલિમ્પિકના ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટની યજમાની ભારતને આપીને ખુશ છીએ. સતત બે વાર બીએફઆઈ દ્વારા બેંગલુરૂમાં આયોજીત ફીબા મહિલા એશિયા કપના સફળ આયોજનને જોતા અમે 3x3 ક્વોલિફાઇંગ સ્પર્ધા માટે અમે ઉત્સાહિત છીએ જ્યાં ઓલિમ્પિક ફેન્સનો ખુબ મોટો આધાર છે.'

આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ સિવાય બાકી ટીમોએ ફીબા રેન્કિંગ અને એમ્સ્ટરડેમમાં થયેલા ફીબા વિશ્વકપના પરિણામના આધાર પર ક્વોલિફાઇ કર્યું હતું. 9 જૂન 2017ના 3x3 બાસ્કેટબોલને ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમવાર સામેલ થયેલી આ ગેમ્સમાં પુરૂષ અને મહિલાઓની 8 ટીમો સ્પર્ધામાં હશે.

(4:29 pm IST)