Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભારતે યુવા ઓલમ્પિકમાં જુડોમાં રચ્યો ઇતિહાસ: તાબાબી દેવીએ મેળવ્યો સિલ્વર મેડલ

નવી દિલ્હી:ભારતની તાબાબી દેવી થાંગજામે સોમવારે ઇતિહાસ રચતાં યૂથ ઓલિમ્પિક ગેમ્સમાં જૂડોમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ઓલિમ્પિક લેવલે જૂડોમાં ભારતનો પ્રથમ મેડલ છે. ભારતે અત્યાર સુધી સિનિયર અથવા જુનિયર કોઈ પણ સ્તરે જૂડોમાં ક્યારેય ઓલિમ્પિક મેડલ જીત્યો નહોતો. ૨૦૧૭ એશિયન કેડેટ ચેમ્પિયન તબાબી મણિપુરની છે. તબાબી દેવીનો ૪૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં વેનેઝુએલાની મારિયા ગિમિનેઝ સામે પરાજય થતાં -૧૧થી સિલ્વર મેડલ મળ્યો હતો. મુકાબલો માત્ર બે મિનિટ અને આઠ સેકન્ડમાં પૂર્ણ થઈ ગયો હતો. મેચમાં તબાબીને એક પેનલ્ટી પોઇન્ટ પણ અપાયો હતો. તબાબી દેવીએ અગાઉ સેમિફાઇનલમાં ક્રોએશિયાની વિક્ટોરિયા પુલિજિચને ૧૦-૦થી પરાજય આપ્યો હતો. તે પહેલાં તેણે ભૂટાનની યાંગચેન વાંગમોને ૧૦-૦થી હાર આપી હતી.૧૬ વર્ષીય તબાબી દેવીના સિલ્વર સાથે ભારતનો બીજો સિલ્વર મેડલ હતો. પહેલાં શૂટિંગમાં તુષાર માનેએ ૧૦ મીટર એર રાઇફલમાં સિલવર મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતનો યૂથ ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦૧૦માં રહ્યો હતો. તે વખતે ભારતે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ૨૦૧૪માં ભારતે માત્ર એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો.

(5:09 pm IST)